17 June, 2022 12:46 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બ્રેન્ડન મૅક્લમ, સ્ટુઅર્ટ બ્રૉડ
ન્યુ ઝીલૅન્ડ સામે ત્રણ મૅચની ટેસ્ટ-સિરીઝમાં ૨-૦થી વિજયી સરસાઈ મેળવનાર ઇંગ્લૅન્ડની ટીમના પીઢ ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રૉડે બ્રિટિશ ટીમની સીક્રેટ વાત જાહેર કરતાં કહ્યું છે કે ‘ટ્રેન્ટ બ્રિજમાં ઇંગ્લૅન્ડે જે સનસનાટીભરી જીત મેળવી એની પાછળ ખાસ કરીને હેડ-કોચ બ્રેન્ડન મૅક્લમે ઇંગ્લિશ ટીમને આપેલો મંત્ર પ્રેરણારૂપ હતો. મૅક્લમે અમને બધાને કહ્યું હતું કે ‘મૅચ દરમ્યાન કોઈ પણ પ્રકારના ભય સામે કોઈએ ડરવું નહીં, ઊલટાનું ભય સામે દોટ મૂકવી અને એના પર જ આક્રમણ કરીને એના પર હાવી થઈ જવું.’
ન્યુ ઝીલૅન્ડના લેજન્ડરી બૅટર બ્રેન્ડન મૅક્લમની ઇંગ્લૅન્ડના કોચ તરીકેની આ પહેલી જ સિરીઝ છે. બ્રેન્ડન અને નવા ટેસ્ટ-કૅપ્ટન બેન સ્ટોક્સની જુગલજોડીની ક્રિકેટજગતમાં ખૂબ ચર્ચા થઈ રહી છે. બેન સ્ટોક્સ ઘણા સમયથી બ્રિટિશ ટીમ સાથે હોવાથી મૅક્લમને ટીમના ખેલાડીઓના અભિગમ વિશેની વિગતો બહુ સહેલાઈથી મળી રહી છે જેની મદદથી મૅક્લમ ટીમ માટેનો વ્યૂહ આસાનીથી તૈયાર કરી શકે છે.
આઇ.એ.એન.એસ.ના અહેવાલ મુજબ બ્રૉડે સ્કાય સ્પોર્ટ્સને કહ્યું, ‘મૅક્લમ આવ્યા પછી ડ્રેસિંગરૂમમાં બધા ખૂબ રોમાંચિત મૂડમાં જોવા મળે છે અને પોતાનો પર્ફોર્મન્સ કેવી રીતે સુધારવો એ બાબતે દરેક ખેલાડી મૅક્લમના કોચિંગમાં હંમેશાં સકારાત્મક અભિગમ રાખે છે. ભય સામે ડરીને બેસી રહેવા કરતાં આક્રમણ કરવાની મૅક્લમની સલાહને કારણે પ્લેયરના મનમાં જીતવાનો અભિગમ સદા જળવાઈ રહે છે. મૅક્લમ કહે છે કે આપણે જ જીતીશું એવું સતત યાદ કરતા રહેજો અને જો સફળ ન થઈએ તો પણ ચિંતા ન કરતા.’
6
ઇંગ્લૅન્ડ અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચેની છેલ્લી ટેસ્ટ આટલા દિવસ પછી લીડ્સમાં શરૂ થશે. ઇંગ્લૅન્ડ ૨-૦થી સિરીઝમાં આગળ છે.