ઇંગ્લૅન્ડની ટેસ્ટ-ટીમનો નવો કોચ બન્યો સ્ટીફન ફ્લેમિંગ, જો રૂટને ફરી કૅપ્ટન્સી મળી

31 July, 2026 10:26 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇંગ્લૅન્ડે સ્ટીફન ફ્લેમિંગને ટેસ્ટ ટીમના નવા હેડ કોચ તરીકે નિયુક્ત કર્યા છે, જ્યારે બેન સ્ટોક્સની નિવૃત્તિ બાદ જો રૂટ ફરી ટેસ્ટ ટીમની કૅપ્ટન્સી સંભાળશે.

સ્ટીફન ફ્લેમિંગ અને જો રૂટ

ઇંગ્લૅન્ડે સ્ટીફન ફ્લેમિંગને પુરુષ ટેસ્ટ-ટીમના નવા હેડ કોચ અને જો રૂટને ટેસ્ટ-કૅપ્ટન તરીકે નિયુક્ત કરવાની પુષ્ટિ આપી છે. ઑગસ્ટ-સપ્ટેમ્બરમાં પાકિસ્તાન સામેની સિરીઝમાં માર્કસ ટ્રેસ્કોથિક કોચ રહેશે અને ત્યાર પછી સ્ટીફન ફ્લેમિંગનો કાર્યકાળ શરૂ થશે. ન્યુ ઝીલૅન્ડના ભૂતપૂર્વ કૅપ્ટન ૫૩ વર્ષના સ્ટીફન ફ્લેમિંગે હાલમાં સુપર કિંગ્સ ફ્રૅન્ચાઇઝી સાથે ૧૮ વર્ષની કોચિંગ કરીઅર સમાપ્ત કરી હતી. ઇંગ્લૅન્ડનો અગાઉનો ફુલ-ટાઇમ કોચ બ્રેન્ડન મૅક્લમ ઇંગ્લૅન્ડની વાઇટ-બૉલ ટીમોનો હેડ કોચ છે. તે પણ ન્યુ ઝીલૅન્ડનો જ છે. ૩૫ વર્ષનો અનુભવી બૅટર જો રૂટ ન્યુ ઝીલૅન્ડ સામેની સિરીઝમાં નિવૃત્તિ જાહેર કરનાર ઑલરાઉન્ડર બેન સ્ટોક્સનું સ્થાન લેશે. જો રૂટ સૌથી વધુ ટેસ્ટ-મૅચોમાં ઇંગ્લૅન્ડનું નેતૃત્વ કરવાનો રેકૉર્ડ ધરાવે છે. તેની આગેવાનીમાં ઇંગ્લૅન્ડને ૬૫ ટેસ્ટ-મૅચોમાંથી ૨૭ મૅચમાં જીત અને ૨૭ મૅચમાં હાર મળી હતી, જ્યારે ૧૧ મૅચ ડ્રૉ રહી હતી.

joe root ben stokes england pakistan test cricket