24 May, 2025 12:45 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ઍન્જેલો મૅથ્યુઝ
શ્રીલંકાના ૩૭ વર્ષના અનુભવી ઑલરાઉન્ડર ઍન્જેલો મૅથ્યુઝે ગઈ કાલે પોતાના ટેસ્ટ-રિટાયરમેન્ટની જાહેરાત કરી છે. તે આગામી જૂન મહિનામાં બંગલાદેશ સામેની બે મૅચની ટેસ્ટ-સિરીઝની પહેલી મૅચને પોતાની ૧૬ વર્ષની ટેસ્ટ-કરીઅરની અંતિમ મૅચ બનાવશે.
મૅથ્યુઝે ૨૦૦૯માં આ ફૉર્મેટમાં ડેબ્યુ કર્યા પછી ૧૧૮ ટેસ્ટમાં ૮૧૬૭ રન બનાવ્યા છે. ટેસ્ટમાં ૩૩ વિકેટ લેવાની સાથે ૧૬ સેન્ચુરી અને ૪૫ ફિફ્ટી ફટકારનાર આ પ્લેયર શ્રીલંકા માટે આ ફૉર્મેટમાં સૌથી વધુ રન બનાવનાર ત્રીજો શ્રીલંકન છે.
મૅથ્યુઝે સોશ્યલ મીડિયા પોસ્ટમાં લખ્યું, ‘હવે સમય આવી ગયો છે કે હું રમતના સૌથી અદ્ભુત ફૉર્મેટ, આંતરરાષ્ટ્રીય ટેસ્ટ-ક્રિકેટમાંથી નિવૃત્તિ લઉં. જૂનમાં બંગલાદેશ સામેની પહેલી ટેસ્ટ દેશ માટે મારી છેલ્લી ટેસ્ટ હશે. હું ટેસ્ટ ફૉર્મેટમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છું, પણ વાઇટ બૉલ ફૉર્મેટમાં રમવા માટે ઉપલબ્ધ રહીશ. હવે સમય આવી ગયો છે કે યુવા પેઢી ટેસ્ટ-ક્રિકેટની કમાન સંભાળે.’