વેસ્ટ ઇન્ડીઝે ૪૦માં ગુમાવી ૮ વિકેટ : શ્રીલંકાની ૨-૦થી ક્લીન સ્વીપ

04 December, 2021 11:10 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

શ્રીલંકન સ્પિનર રમેશ મેન્ડિસ આ મૅચનો સુપરસ્ટાર હતો

શ્રીલંકા ગઈ કાલે ચૅમ્પિયન બન્યું હતું. જોકે શ્રીલંકન કોચ મિકી આર્થરની મુદતનો ગઈ કાલે એ સાથે અંત આવ્યો હતો.

શ્રીલંકાએ ગૉલમાં ગઈ કાલે વેસ્ટ ઇન્ડીઝને બીજી અને આખરી ટેસ્ટમાં ૧૬૪ રનથી હરાવીને સિરીઝ ૨-૦થી જીતી લીધી હતી. શ્રીલંકન સ્પિનર રમેશ મેન્ડિસ આ મૅચનો સુપરસ્ટાર હતો. તેણે પહેલા દાવમાં ૬ અને બીજા દાવમાં પાંચ વિકેટ લીધી હતી. ગઈ કાલે ક્રેગ બ્રેથવેઇટના સુકાનમાં કૅરિબિયન ટીમ ૨૯૭ રનના લક્ષ્યાંક સામે ફક્ત ૧૩૨ રનમાં આઉટ થઈ ગઈ હતી. તેમણે છેલ્લી ૮ વિકેટ માત્ર ૪૦ રનમાં ગુમાવી દીધી હતી. મેન્ડિસના સાથી-સ્પિનર લસિથ એમ્બલડેનિયાએ પણ પાંચ વિકેટ લીધી હતી.
શ્રીલંકાએ પહેલી મૅચ ૧૮૭ રનથી જીતી લીધી હતી. બીજા દાવમાં ૧૫૫ રન બનાવનાર ધનંજય ડિસિલ્વાને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ અપાયો હતો. મૅન ઑફ ધ સિરીઝ મેન્ડિસે આખી મૅચમાં કુલ ૧૩૬ રનમાં ૧૧ વિકેટ લીધી અને આખી સિરીઝમાં ૧૭ વિકેટ હતી. શ્રીલંકાએ ટેસ્ટ-સિરીઝમાં વાઇટવૉશ કરીને તમામ ૧૨ પૉઇન્ટ મેળવી લીધા. વેસ્ટ ઇન્ડીઝને એકેય પૉઇન્ટ નથી મળ્યો.

36
બે ટેસ્ટના ચાર દાવમાં કૅરેબિયનોની ૪૦માંથી કુલ આટલી વિકેટ શ્રીલંકન સ્પિનરોઅે લીધી. બીજી ટેસ્ટમાં ૨૦માંથી શ્રીલંકાના પેસ બોલરને ફક્ત અેક વિકેટ મળી.

sports sports news cricket news sri lanka west indies test cricket