05 July, 2025 06:17 AM IST | Colombo | Gujarati Mid-day Correspondent
વન-ડે મૅચમાં મેદાન પર આવ્યો સાત ફુટ લાંબો સાપ
બુધવારે શ્રીલંકા અને બંગલાદેશની વન-ડે સિરીઝની પહેલી મૅચ દરમ્યાન મેદાન પર સાપની એન્ટ્રી થઈ હતી. કોલંબોમાં બંગલાદેશની ઇનિંગ્સની ત્રીજી ઓવરમાં સાપ મેદાન પર દેખાતાં રમત રોકવી પડી હતી. થોડા સમયમાં સાત ફુટ લાંબા આ સાપને મેદાનથી દૂર કરીને અનિચ્છનીય ઘટના ટાળીને રમત ફરી શરૂ કરવામાં આવી હતી.
શ્રીલંકાએ ૭૭ રને પહેલી વન-ડે જીતીને ત્રણ મૅચની સિરીઝમાં ૧-૦થી લીડ મેળવી હતી. શ્રીલંકાએ કૅપ્ટન ચારિથ અસલંકાની ૧૦૬ રનની ઇનિંગ્સના આધારે ૪૯.૨ ઓવરમાં ઑલઆઉટ થઈને ૨૪૪ રન ફટકાર્યા હતા. ૧૭થી ૨૧મી ઓવર દરમ્યાન બંગલાદેશે ૨૭ બૉલમાં માત્ર પાંચ રનની અંદર સાત વિકેટ ગુમાવી દેતાં ૩૫.૫ ઓવરમાં આખી ટીમ ૧૬૭ રને ઑલઆઉટ થઈ હતી. ૭.૫ ઓવરમાં માત્ર ૧૦ રન આપી ચાર વિકેટ લેનાર સ્પિનર વાનિન્દુ હસરંગાએ ૧૦૦ વન-ડે વિકેટ પણ પૂર્ણ કરી હતી.