આંખો થઈ ભીની અને ચહેરા પર હાસ્ય, ડીન એલ્ગરે પહેરી ૧૨ વર્ષ જૂની ટોપી

05 January, 2024 07:41 AM IST  |  Cape town | Gujarati Mid-day Correspondent

ફેરવેલ મૅચમાં ડીન એલ્ગરે પોતાના અંદાજમાં ચાહકોનાં દિલ જીતી લીધાં હતાં, કેમ કે તેણે ૧૨ વર્ષ જૂની પોતાની ડેબ્યુ ટાઇમની ટોપી ફેરવેલ મૅચ દરમ્યાન પહેરી હતી, જેને જોઈને ચાહકો તેના દીવાના થઈ ગયા હતા.

ડીન એલ્ગરની અંતિમ ટેસ્ટ બાદ ટીમ ઇન્ડિયાએ ટી-શર્ટ પર ઑટોગ્રાફ આપીને તેનું સન્માન કર્યું હતું.

ભારતે કેપટાઉનમાં સાઉથ આફ્રિકાને મહાત આપીને સિરીઝ ૧-૧થી સરભર કરી છે અને ઇતિહાસ રચી દીધો છે, પણ એની વચ્ચે સાઉથ આફ્રિકાના સુકાની ડીન એલ્ગરે તમામ લોકોનાં દિલ જીતી લીધાં હતાં. ડીન એલ્ગરની કારકિર્દીની આ અંતિમ ટેસ્ટ મૅચ હતી. ફેરવેલ મૅચમાં ડીન એલ્ગરે પોતાના અંદાજમાં ચાહકોનાં દિલ જીતી લીધાં હતાં, કેમ કે તેણે ૧૨ વર્ષ જૂની પોતાની ડેબ્યુ ટાઇમની ટોપી ફેરવેલ મૅચ દરમ્યાન પહેરી હતી, જેને જોઈને ચાહકો તેના દીવાના થઈ ગયા હતા.

ડીન એલ્ગરે ઑસ્ટ્રેલિયા સામે ૨૦૧૨માં ડેબ્યુ કર્યું હતું. એ દિવસને યાદ કરતાં આ દિગ્ગજે પોતાની આ ટોપી પહેરી લીધી હતી. જોકે ફેરવેલ મૅચને ડીન એલ્ગર યાદગાર ન બનાવી શક્યો. તેણે પહેલી ઇનિંગ્સમાં ૪ અને બીજી ઇનિંગ્સમાં ૧૨ રન કર્યા હતા, પણ પહેલી ટેસ્ટમાં તે યાદગાર ઇનિંગ્સ રમ્યો હતો. ભારત સામેની પહેલી ટેસ્ટમાં પહેલી ઇનિંગ્સમાં તે ૧૮૫ રનની ઉપયોગી ઇનિંગ્સ રમ્યો હતો.

ટેસ્ટ કારકિર્દીની અંતિમ ટેસ્ટ રમી રહેલો ડીન એલ્ગર છેલ્લી વાર બૅટિંગમાં ઊતર્યો હતો. બીજી ઇનિંગ્સમાં એલ્ગરની વિકેટ મુકેશ કુમારે લીધી હતી અને તેનો કૅચ વિરાટ કોહલીએ પકડ્યો હતો. કોહલીએ તો એ વિકેટ સેલિબ્રેટ નહોતી કરી અને ટીમના સભ્યોને પણ ઇશારામાં સેલિબ્રેટ ન કરવાનું કહ્યું હતું. કોહલીએ એલ્ગરને ગળે વળગાડીને શુભકામના આપી હતી.

south africa cricket news sports news sports indian cricket team test cricket