27 June, 2026 01:54 PM IST | Bristol | Gujarati Mid-day Correspondent
સાઉથ આફ્રિકાની વિકેટકીપર-બૅટર તાઝમિન બ્રિટસ કરીઅરની પહેલી T20 સદી ફટકારીને પ્લેયર ઑફ ધ મૅચ બની. તેણે અણનમ ૧૧૪ રન કર્યા હતા.
બ્રિસ્ટલમાં ગુરુવારે મોડી રાતે સાઉથ આફ્રિકા અને નેધરલૅન્ડ્સ વચ્ચે વિમેન્સ T20 વર્લ્ડ કપ મૅચ શરૂ થઈ હતી.
સાઉથ આફ્રિકાએ ૮૮ રનની જીત સાથે સેમી-ફાઇનલની આશા જીવંત રાખી હતી. સાઉથ આફ્રિકાએ વિમેન્સ T20 વર્લ્ડ કપમાં પોતાનો હાઇએસ્ટ ૨૦૮/૧નો સ્કોર કર્યો હતો. જવાબમાં નેધરલૅન્ડ્સ ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૧૨૦ રન કરીને પોતાના પહેલા વર્લ્ડ કપમાં સતત ૪ મૅચ હાર્યું હતું.
સાઉથ આફ્રિકાએ પોતાનો નેટ રનરેટ -૦.૫૪૬ થી સુધારીને +૦.૭૩૪ કર્યો હતો. ભારતની જેમ ૪ મૅચમાં ત્રણ જીત સાથે ૬ પૉઇન્ટ હોવા છતાં સાઉથ આફ્રિકા હજી ત્રીજા ક્રમે છે. ભારત +૨.૨૬૮ના નેટ રનરેટ સાથે બીજા ક્રમે છે. ૨૮ જૂને સાઉથ આફ્રિકા બંગલાદેશ સામે અને ભારત ઑસ્ટ્રેલિયા સામે મોટા અંતરની જીત મેળવીને સેમી-ફાઇનલમાં સ્થાન પાક્કું કરવાનો પ્રયાસ કરશે.
સાઉથ આફ્રિકાની ઓપનર તાઝમિન બ્રિટસે ૬૯ બૉલમાં ૧૫ ફોર અને ત્રણ સિક્સની મદદથી અણનમ ૧૧૪ રન કર્યા હતા. તેની સાથી ઓપનર કૅપ્ટન લૉરા વૉલ્વાર્ટે ૩૬ બૉલમાં ૪૫ રનનું યોગદાન આપ્યું હતું. નેધરલૅન્ડ્સના ૭ બોલિંગ વિકલ્પોમાંથી માત્ર ફાસ્ટ બોલર હેન્ના લૅન્ડહીરને એક વિકેટ મળી હતી.