05 December, 2023 01:07 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બવુમા-રબાડા
સાઉથ આફ્રિકા ૨૦૨૧-૨૦૨૩ની વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (ડબ્લ્યુટીસી) એટલે કે ટેસ્ટના વર્લ્ડ કપ માટેની ફાઇનલમાં એન્ટ્રી જરાક માટે ચૂકી ગયું હતું અને જૂન ૨૦૨૩માં લંડનમાં ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચે એ મહામુકાબલો યોજાયો હતો, જેમાં ઑસ્ટ્રેલિયા જીતી ગયું હતું. જોકે આ વખતે સાઉથ આફ્રિકા જરાય પાછળ રહેવા નથી માગતું અને અત્યારથી જ ટેસ્ટમાં પોતાનું સ્થાન મજબૂત રાખવા માગે છે. ૨૦૨૩-૨૦૨૫ની વર્લ્ડ કપની નવી સીઝનમાં સાઉથ આફ્રિકાની પ્રથમ ટેસ્ટ-સિરીઝ ઘરઆંગણે ૨૬ જાન્યુઆરીએ ભારત સામે શરૂ થશે અને એની બે ટેસ્ટ માટે કૅપ્ટન ટેમ્બા બવુમા તથા ફાસ્ટ બોલર કૅગિસો રબાડાને ૧૦૦ ટકા ફિટ રાખવા સિલેક્ટર્સે ગઈ કાલે તેમને ભારત સામેની આગામી ટી૨૦ અને વન-ડે સિરીઝની ટીમમાં નહોતા સમાવ્યા. આ જ કારણસર ત્રણ પેસ બોલર્સ જેરલ્ડ કટ્સી, માર્કો યેનસેન અને લુન્ગી ઍન્ગિડીને પહેલી બે ટી૨૦માં જ રમાડવામાં આવશે. ત્યાર બાદ આ પાંચેપાંચ ખેલાડીઓ ભારત સામેની ટેસ્ટ-શ્રેણીમાં ઊતરતાં પહેલાં ડોમેસ્ટિક મૅચ રમશે.
બવુમાના સુકાનમાં સાઉથ આફ્રિકાની ટીમ તાજેતરના વર્લ્ડ કપમાં સેમી ફાઇનલ સુધી પહોંચી હતી અને એમાં ઑસ્ટ્રેલિયા સામે પરાજિત થઈ હતી.
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે બે મૅચની ટેસ્ટ-સિરીઝ પહેલાં ત્રણ ટી૨૦ અને ત્રણ વન-ડે રમાશે અને ગઈ કાલે ત્રણેય સિરીઝ માટેની ટીમ જાહેર કરવામાં આવી હતી.
૧૦થી ૧૪ ડિસેમ્બર દરમ્યાન ત્રણ ટી૨૦, ૧૭થી ૨૧ ડિસેમ્બર દરમ્યાન ત્રણ વન-ડે અને ૨૬ ડિસેમ્બરથી ૭ જાન્યુઆરી દરમ્યાન બે ટેસ્ટ મૅચ રમાશે. બવુમાની ગેરહાજરીમાં ટી૨૦ અને વન-ડે ટીમનું સુકાન એઇડન માર્કરમ સંભાળશે.
સાઉથ આફ્રિકાની ટી૨૦ ટીમ
એઇડન માર્કરમ (કૅપ્ટન), રીઝા હેન્ડ્રિક્સ, હિન્રીચ ક્લાસેન (વિકેટકીપર), ઑટનીલ બાર્ટમન, મૅથ્યુ બ્રીટ્ઝકી, નેન્ડ્રે બર્જર, જેરલ્ડ કટ્સી, માર્કો યેનસેન, લુન્ગી ઍન્ગિડી (ત્રણેય પ્લેયર પહેલી બે ટી૨૦ માટે જ) ડોનોવાન પરેરા, કેશવ મહારાજ, ડેવિડ મિલર, ઍન્ડીલ ફેહલુકવાયો, તબ્રેઝ શમ્સી, ટ્રિસ્ટાન સ્ટબ્સ (વિકેટકપર) અને લિઝાદ વિલિયમ્સ.
સાઉથ આફ્રિકાની વન-ડે ટીમનો પણ કૅપ્ટન માર્કરમ
એઇડન માર્કરમ (કૅપ્ટન), ઑટનીલ બાર્ટમન, નેન્ડ્રે બર્જર, ટૉની ડિઝોર્ઝી, રીઝા હેન્ડ્રિક્સ, હિન્રીચ ક્લાસેન (વિકેટકીપર), કેશવ મહારાજ, મિહલાલી ઍમ્પોન્ગ્વાના, ડેવિડ મિલર, વિઆન મુલ્ડર, ઍન્ડીલ ફેહલુકવાયો, તબ્રેઝ શમ્સી, રૅસી વૅન ડર ડુસેન, કાઇલ વરેન (વિકેટકીપર) અને લિઝાદ વિલિયમ્સ.
સાઉથ આફ્રિકાની ટેસ્ટ ટીમનો સુકાની બવુમા
ટેમ્બા બવુમા (કૅપ્ટન), ડેવિડ બેડિંગહૅમ, નેન્ડ્રે બર્જર, જેરલ્ડ કટ્સી, ટૉની ડિઝોર્ઝી, ડીન એલ્ગર, માર્કો યેનસેન, કેશવ મહારાજ, એઇડન માર્કરમ, વિઆન મુલ્ડર, લુન્ગી ઍન્ગિડી, કીગેન પીટરસન, કૅગિસો રબાડા, ટ્રિસ્ટાન સ્ટબ્સ (વિકેટકીપર) અને કાઇલ વરેન (વિકેટકીપર).