ફૉલો-ઑનનો પડકાર ઝીલીને શ્રીલંકાએ ટેસ્ટ-મૅચ ડ્રૉ કરી

28 August, 2026 08:44 AM IST  |  Colombo | Gujarati Mid-day Correspondent

સોનલ દિનુશાએ સિરીઝની ત્રીજી સેન્ચુરી ફટકારીને ભારતની જીતની તક ઝૂંટવી લીધી, ૪૨૯/૯ના સ્કોરે બીજી ઇનિંગ્સ ડિક્લેર થતાં બન્ને ટીમોએ ડ્રૉ માટે હાથ મિલાવ્યો

કોલંબોમાં બીજી ટેસ્ટ-મૅચ ડ્રૉ, ભારત બે મૅચની સિરીઝ ૧-૦થી જીત્યું, ફૉલો-ઑનનો પડકાર ઝીલીને શ્રીલંકાએ ટેસ્ટ-મૅચ ડ્રૉ કરી

કોલંબોમાં ગઈ કાલે શ્રીલંકાએ બીજી ટેસ્ટ-મૅચ ડ્રૉ કરી છતાં ભારત બે મૅચની સિરીઝ ૧-૦થી જીતવામાં સફળ રહ્યું છે. ૨૦૧૫થી શ્રીલંકા ભારત સામે સતત પાંચ ટેસ્ટ-સિરીઝ જીત્યું છે. ૨૦૧૫થી ભારત શ્રીલંકામાં સતત છ ટેસ્ટ-મૅચ જીતી રહ્યું હતું જેનો સિલસિલો આ ડ્રૉ મૅચને કારણે અટક્યો છે. અગાઉ ઑસ્ટ્રેલિયા (૧૯૯૯થી ૨૦૧૧) અને ઇંગ્લૅન્ડ (૨૦૧૨થી ૨૦૨૧) શ્રીલંકામાં સતત છ ટેસ્ટ-મૅચ જીત્યા હતા. 
વરસાદથી પ્રભાવિત કોલંબો ટેસ્ટ-મૅચમાં ભારતે ૫૦૩/૯ના સ્કોર પર પહેલી ઇનિંગ્સ ડિક્લેર કરી હતી. શ્રીલંકા પહેલી ઇનિંગ્સમાં ૨૯૦ રને ઑલઆઉટ થયું હતું. એ સમયે ભારત પાસે ૨૧૩ રનની લીડ હોવાથી શ્રીલંકાને ફૉલો-ઑન કરવામાં આવ્યું હતું. શ્રીલંકાએ પાંચમા દિવસની લગભગ ૨૦ ઓવર બાકી હતી ત્યારે ૧૫૪ ઓવરમાં ૪૨૯/૯ના સ્કોર પર બીજી ઇનિંગ્સ ડિક્લેર કરી હતી. ૨૧૬ રનનો ટાર્ગેટ સામે હોવાથી ભારતીય ટીમે ડ્રૉ માટે હાથ મિલાવ્યો હતો. 
પાંચમા દિવસે શ્રીલંકાએ ૭૩મી ઓવરમાં ૨૨૯-૬ના સ્કોર સાથે બીજી ઇનિંગ્સને આગળ વધારી હતી. પાંચમા દિવસે શ્રીલંકાએ ૧૦૪.૪મી ઓવરમાં ૩૩૦ રનના સ્કોરે, ૧૧૬.૩મી ઓવરમાં ૩૫૫ રન પર અને ૧૪૪.૪મી ઓવરમાં ૪૦૨ રનના સ્કોરે વિકેટ ગુમાવી હતી. અંતિમ વિકેટ લેવા માટે ભારતના પાંચ બોલર્સ સિવાય શુભમન ગિલ, ધ્રુવ જુરેલ અને યશસ્વી જાયસવાલે પણ પાર્ટ-ટાઇમ સ્પિનર તરીકે બોલિંગ કરી હતી. જોકે તમામ નિષ્ફળ રહ્યા હતા. 
પોતાના શાનદાર ફૉર્મને ચાલુ રાખતાં સોનલ દિનુશાએ ચાર ઇનિંગ્સમાં પોતાની ત્રીજી સદી ફટકારી હતી. નીચલા ક્રમના બૅટ્સમેનોએ તેને મજબૂત ટેકો આપ્યો. ટીમોએ હાથ મિલાવ્યા ત્યાં સુધીમાં શ્રીલંકાએ ભારતને બે ઇનિંગ્સમાં કુલ ૨૪૩.૪ ઓવર ફેંકવાની ફરજ પાડી હતી. સોનલ દિનુશા ૨૬૪ બૉલમાં ૮ ફોર અને બે સિક્સની મદદથી ૧૩૩ રન ફટકારીને અણનમ રહ્યો હતો. કેશરા નુવંથાએ ૧૫૦ બૉલમાં ૪૬ રનનું યોગદાન આપ્યું હતું. 
કોલંબો ટેસ્ટ-મૅચની બન્ને ઇનિંગ્સમાં સદી ફટકારવા બદલ સોનલ દિનુશા પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો. ભારતનો ત્રીજા ક્રમનો બૅટર દેવદત્ત પડિક્કલ ૩૨૮ રન ફટકારીને પ્લેયર ઑફ ધ સિરીઝ બન્યો હતો. કોલંબો ટેસ્ટ-મૅચમાં ડેબ્યુ કરનાર સ્પિનર સારાંશ જૈને ૩૪૬ બૉલ ફેંકીને ૧૬૭ રન આપીને ત્રણ વિકેટ લીધી હતી

ફૉલો-ઑન પછી શ્રીલંકાએ પહેલી વખત ૨૦૦ પ્લસ રનની લીડ મેળવી

ટેસ્ટ-ક્રિકેટમાં ફૉલો-ઑન દરમ્યાન શ્રીલંકાનો રેકૉર્ડ ખૂબ ખરાબ છે. શ્રીલંકાને હમણાં સુધીની ૨૮ ફૉલો-ઑનવાળી ટેસ્ટ-મૅચમાંથી ૨૪ મૅચમાં હાર મળી છે. આ ચોથી ટેસ્ટ-મૅચ હતી જેમાં શ્રીલંકા ડ્રૉ કરવામાં સફળ રહ્યું હતું. 
શ્રીલંકા અગાઉ ૨૦૧૦માં ગૉલમાં વેસ્ટ ઇન્ડીઝ સામે ફૉલો-ઑન પછી ટેસ્ટ-મૅચ ડ્રૉ કરવામાં સફળ રહ્યું હતું. પહેલી વખત ફૉલો-ઑન પછી શ્રીલંકાએ ૨૦૦ પ્લસ રનની લીડ મેળવી હતી. અગાઉ ૨૦૦૬માં શ્રીલંકાએ લૉર્ડ્સમાં ઇંગ્લૅન્ડ સામે ફૉલો-ઑન પછી ૧૭૮ રનની મોટી લીડ મેળવી હતી.
ભારતે હરીફ ટીમને ફૉલો-ઑન આપ્યું હોય એવી ૪૩ ટેસ્ટ-મૅચમાં આ છઠ્ઠી વખત છે જ્યારે સામેની ટીમે ૨૦૦ પ્લસ રનની લીડ મેળવી લીધી હોય. છેલ્લે આવી ઘટના ૨૬ વર્ષ પહેલાં ૨૦૦૦માં નાગપુરમાં બની હતી, જ્યારે ઝિમ્બાબ્વેએ ૫૦૩/૬નો સ્કોર કરીને ૨૭૬ રનની લીડ મેળવી હતી. 

WTC પૉઇન્ટ-ટેબલમાં ભારતીય ટીમ પાંચમા ક્રમે યથાવત્

કોલંબોમાં ટેસ્ટ-મૅચ ડ્રૉ રહ્યા પછી ભારત વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC) ૨૦૨૫-’૨૭ના પૉઇન્ટ-ટેબલમાં પાંચમા સ્થાને યથાવત્ રહ્યું છે. જોકે પૉઇન્ટ ટકાવારી ૫૩.૩૩થી ઘટીને ૫૧.૫૨ ટકા થઈ ગઈ છે. મૅચ ડ્રૉ થવાથી સંભવિત બારમાંથી ફક્ત ચાર પૉઇન્ટ મળે છે. 
ભારત હવે આગામી નવેમ્બર મહિનામાં ન્યુ ઝીલૅન્ડ સામે તેમની ધરતી પર બે ટેસ્ટ-મૅચ અને આવતા વર્ષની શરૂઆતમાં ઘરઆંગણે ઑસ્ટ્રેલિયા સામે પાંચ ટેસ્ટ-મૅચની સિરીઝ રમશે. ભારતીય ટીમે ફાઇનલમાં પહોંચવા સાતમાંથી ૬ મૅચ જીતવાનો ટાર્ગેટ રાખવો પડશે.

colombo sri lanka team india indian cricket team test cricket cricket news sports news sports