શિખર ધવન બન્યો લેખક

28 June, 2025 02:49 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગબ્બરે મેદાનની અંદર અને બહારના જીવનનાં સંસ્મરણો લખ્યાં

શિખર ધવનને મળવા તેના ઘરે પહોંચ્યો હતો બૉલીવુડ સ્ટાર આમિર ખાન.

ભારતના ભૂતપૂર્વ ઓપનર શિખર ધવને લેખક બનીને પોતાના જીવનનાં સંસ્મરણો લખ્યાં છે જેમાં તેણે મેદાનની અંદર અને બહારના સંબંધો, મિત્રતા અને વિવાદો વિશે ખુલ્લેઆમ વાત કરી છે. ધવનની બુક ‘ધી વન : ક્રિકેટ, માય લાઇફ ઍન્ડ મોર’ જુલાઈમાં લૉન્ચ થશે, પણ એનું પ્રી-બુકિંગ શરૂ થઈ ગયું છે.

તે કહે છે, ‘જ્યારે હું ભારતીય ટીમમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે સોશ્યલ મીડિયા નવું હતું અને ક્રિકેટર્સ પર આટલું ધ્યાન રાખવામાં આવતું નહોતું, પરંતુ પ્રિન્ટ અને બ્રૉડકાસ્ટ મીડિયા ચરમસીમાએ હતું. ટીમ-પસંદગી અને વ્યક્તિગત પ્રદર્શનની ચર્ચા થતી હતી અને લોકો વાંચતા હતા. આજની જેમ નહીં જ્યારે સોશ્યલ મીડિયા એક ક્રિકેટરને રાતોરાત હીરોમાંથી ઝીરો બનાવી દે છે. ક્રિકેટે મને જીવવાનો હેતુ આપ્યો, પણ આ સફરમાં ઉતાર-ચડાવ અને શાંત ક્ષણો આવી. તેણે મને આજે હું જે છું એ માણસ બનાવ્યો. હું મારી વાર્તા હૃદયથી કહી રહ્યો છું જે પ્રામાણિક છે અને કોઈ પણ ફિલ્ટર વિનાની છે.’

ધોનીને બૉલીવુડ ફિલ્મમાં જોવા માગતો હતો ગબ્બર
શિખર ધવન ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોની સાથેની પોતાની પહેલી મુલાકાત વિશે કહે છે, ‘હું તેને બૉલીવુડ ફિલ્મોમાં જોવા માગતો હતો. તે ફિલ્મસ્ટાર જેવો દેખાતો હતો. લાંબા વાળ અને મોહક સ્મિત. અમે વાત કરી રહ્યા હતા અને મેં તેને કહ્યું કે હું ભારત માટે રમવા માગું છું અને હું ઇચ્છું છું કે તું બૉલીવુડનો હીરો બને. તે ખૂબ હસ્યો હતો.’

shikhar dhawan aamir khan indian cricket team cricket news sports news sports social media