ભારતીય ટીમમાં સ્થાન મેળવવા માટે IPL એકમાત્ર માપદંડ નથી : સારાંશ જૈન

31 July, 2026 10:19 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

33 વર્ષની ઉંમરે ભારતીય ટીમમાં સ્થાન મેળવનાર સારાંશ જૈને કહ્યું કે ટીમ ઇન્ડિયામાં પસંદગી માટે IPL જ એકમાત્ર રસ્તો નથી. ડોમેસ્ટિક ક્રિકેટમાં કરેલી મહેનતને કારણે તેને આ તક મળી હોવાનું તેણે જણાવ્યું.

સારાંશ જૈન

૩૩ વર્ષની ઉંમરે ભારતીય સ્ક્વૉડમાં એન્ટ્રી મેળવનાર સારાંશ જૈને પોતાની પસંદગી વિશે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. મધ્ય પ્રદેશનો સારાંશ જૈન કહે છે, ‘મારી પસંદગી દર્શાવે છે કે ભારતીય ટીમમાં સ્થાન મેળવવા માટેનો એકમાત્ર માપદંડ IPL નથી. ડોમેસ્ટિક ક્રિકેટમાં મારી મહેનત આ વાતનું પ્રમાણ છે. હું સિલેક્ટર્સ પર મારામાં વિશ્વાસ મૂકવા બદલ આભાર માનવા માગું છું. મંગળવારે ઇન્દોરના હનુમાન મંદિરથી પાછા ફર્યા પછી મારો ફોન મેસેજ અને મિસ્ડ કૉલ્સથી ભરેલો મળ્યો. ત્યારે જ મને ખબર પડી કે મને શ્રીલંકા ટૂર માટે પસંદ કરવામાં આવ્યો છે. 
એજ ઇઝ જસ્ટ અ નંબર એમ જણાવતાં સારાંશ કહે છે, ‘૩૩ વર્ષની ઉંમર માત્ર એક સંખ્યા છે. આજકાલ ફીલ્ડિંગનાં ધોરણો એટલાં ઊંચાં છે કે તમારી ઉંમર મેદાન પર દેખાતી નથી. મને ખબર હતી કે જો હું આજે ભારતીય ટીમમાં સ્થાન ન મેળવી શકું તો પણ હું આગામી એક કે બે વર્ષમાં ચોક્કસ રમીશ.’

સારાંશના પપ્પા પણ ડોમેસ્ટિક ક્રિકેટર હતા

સારાંશના પપ્પા સુબોધ જૈન ભૂતપૂર્વ ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટર હતા. તેમણે ૧૯૯૦ના દાયકામાં મધ્ય પ્રદેશ માટે ૯ મૅચ રમી હતી. ૮૦ રન કરીને તેમણે સ્પિનર તરીકે ૨૩ વિકેટ લીધી હતી. સારાંશ પપ્પાને પોતાનો હીરો માને છે. સારાંશ જૈનના પપ્પા તેને લાંબા સમયથી ઑફ-સ્પિનરની જેમ બોલિંગ કરવા અને વિશ્વસનીય નંબર ૪ બૅટ્સમૅનની જેમ બૅટિંગ કરવા માટે પ્રોત્સાહિત કરતા રહ્યા છે.

sports news sports cricket news team india indian cricket team