11 August, 2025 10:40 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સંજુ સૅમસન
ભારતના વિકેટકીપર-બૅટર સંજુ સૅમસને હાલમાં ભૂતપૂર્વ સ્પિનર રવિચન્દ્રન અશ્વિનના પૉડકાસ્ટમાં મહત્ત્વપૂર્ણ ખુલાસો કર્યો છે. T20 વર્લ્ડ કપ ૨૦૨૪ પછી શ્રીલંકા સામેની T20 સિરીઝમાં બન્ને ઇનિંગ્સમાં ઝીરો પર આઉટ થયો ત્યારે હેડ કોચ ગૌતમ ગંભીરે સૅમસનને મોટિવેટ કર્યો હતો, જેને કારણે બંગલાદેશ અને સાઉથ આફ્રિકા સામેની સિરીઝમાં તે ત્રણ સેન્ચુરી ફટકારી શક્યો હતો.
સંજુ સૅમસન કહે છે, ‘T20 વર્લ્ડ કપ પછી અચાનક પરિવર્તન આવ્યું. ગૌતમભાઈ હેડ કોચ તરીકે આવ્યા અને સૂર્યા કૅપ્ટન તરીકે આવ્યો. હું આંધ્ર પ્રદેશમાં દુલીપ ટ્રોફી મૅચ રમી રહ્યો હતો ત્યારે બીજી ટીમમાંથી રમી રહેલા ભારતીય T20 કૅપ્ટન સૂર્યકુમાર યાદવે આવીને કહ્યું કે તારા માટે એક મોટી તક આવી રહી છે, આપણી પાસે સાત મૅચ છે અને હું તને ઓપનર તરીકે બધી સાત મૅચ રમવા દઈશ. કૅપ્ટન પાસેથી આ સાંભળીને મને ખૂબ સારું લાગ્યું હતું.’
સંજુ વધુમાં કહે છે, ‘આ પછી હું શ્રીલંકામાં બે મૅચ રમ્યો અને બન્ને મૅચમાં હું શૂન્ય પર આઉટ થયો. ટીમમાં અંદર-બહાર રહેવાની યાદો પાછી આવવા લાગી અને મને લાગ્યું કે બસ, હવે તો હું ગયો. હું ડ્રેસિંગરૂમમાં થોડો ઉદાસ હતો અને ગૌતીભાઈએ આ જોયું. તે મારી પાસે આવ્યા અને પૂછ્યું કે શું થયું? મેં તેમને કહ્યું કે હું મળેલી તકનો લાભ ઉઠાવી શક્યો નથી. તેમણે કહ્યું કે તો શું થયું, હું તને ત્યારે જ ટીમમાંથી કાઢીશ જ્યારે તું ૨૧ વખત ઝીરો પર આઉટ થઈશ.’ આ પૉડકાસ્ટમાં સંજુએ વન-ડે કૅપ્ટન રોહિત શર્માને પોતાનો ક્રિકેટનો રોલમૉડલ ગણાવ્યો હતો.