10 October, 2026 04:26 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
શરફેન રદરફોર્ડ અને શાઇ હોપે ચોથી વિકેટ માટે ૧૨૦ રનની ભાગીદારી કરી હતી.
સંજુ સૅમસનના તોફાની ૮૨ રનની મદદથી ભારતે વેસ્ટ ઇન્ડીઝ સામેનો પોતાનો ૨૪૯ રનનો હાઇએસ્ટ સ્કોર કર્યો, જોકે કૅરિબિયનોએ ચોથી વિકેટ માટે ૧૨૦ રનની પાર્ટનરશિપથી હારેલી બાજી જીતી લીધી
રાંચીમાં ગઈ કાલે બીજી T20 મૅચમાં ભારત સામે વેસ્ટ ઇન્ડીઝે ૬ વિકેટે શાનદાર જીત નોંધાવી હતી. તોફાની બૅટિંગ પછી ભારતનું બોલિંગ-યુનિટ લય જાળવી રાખવામાં નિષ્ફળ રહેતાં ભારતની સતત ૧૦ T20 મૅચની વિજયકૂચ અટકી હતી. ભારતે વેસ્ટ ઇન્ડીઝ સામેનો પોતાનો હાઇએસ્ટ અને રાંચીનો સૌથી મોટો ૨૪૯-૫નો T20 ઇન્ટરનૅશનલ સ્કોર કર્યો હતો. જવાબમાં વેસ્ટ ઇન્ડીઝે ૧૮.૩ ઓવરમાં ૨૫૨-૪ના સ્કોર સાથે ૨૫૦ રનનો પોતાની હાઇએસ્ટ રન-ચેઝ નોંધાવી હતી.
વેસ્ટ ઇન્ડીઝ છેલ્લે ભારતમાં આ ફૉર્મેટમાં ભારતીય ટીમ સામે ડિસેમ્બર ૨૦૧૯માં તિરુવતપુરમમાં જીત્યું હતું. T20 ફૉર્મેટમાં આ માત્ર બીજી ૨૫૦ કે એથી વધુની રન-ચેઝ છે. ૨૦૨૩માં વેસ્ટ ઇન્ડીઝ સામે સાઉથ આફ્રિકાએ ૨૫૯ રન ચેઝ કર્યા હતા. વેસ્ટ ઇન્ડીઝે ૨૦૧૫માં સાઉથ આફ્રિકા સામે પોતાની ૨૩૨ રનની હાઇએસ્ટ રન-ચેઝ કરી હતી.
ભારત તરફથી ઓપનર અભિષેક શર્માએ ૧૨ બૉલમાં ૨૦ રનની ઇનિંગ્સ સાથે ૪૨ રનની ઓપનિંગ ભાગીદારમાં યોગદાન આપ્યું હતું. ટીમમાંથી સ્થાન ગુમાવવાની અણીએ આવેલા સંજુ સૅમસને ૨૧ બૉલની ફિફ્ટી સાથે શાનદાર ઇનિંગ્સ રમી હતી. તેણે ૨૦૦ના સ્ટ્રાઇક-રેટ સાથે ૪૧ બૉલમાં ૯ ફોર, ૪ સિક્સના આધારે ૮૨ રન કર્યા હતા.
ત્રીજી અને છઠ્ઠી ઓવરમાં કૅચ ડ્રૉપ થયા પછી સંજુએ પાવરપ્લેમાં ૨૧ બૉલમાં ફિફ્ટી ફટકારી હતી, પહેલી ઓવરમાં બે વિકેટ અને પાવરપ્લેમાં ત્રણ વિકેટ લઈને તરખાટ મચાવ્યો હતો મયંક યાદવે.
ત્રીજા ક્રમે રમીને ઈશાન કિશને ૨૨ બૉલમાં ૬ ફોર, ૨ સિક્સ ફટકારીને ૪૩ રન કર્યા હતા. કૅપ્ટન શ્રેયસ ઐયરે ૧૮ બૉલમાં ૩-૩ ફોર અને સિક્સની મદદથી ૪૦ રન કર્યા હતા. વાઇસ-કૅપ્ટન તિલક વર્માએ એટલા જ ફોર-સિક્સ સાથે ૧૮ બૉલમાં અણનમ ૪૪ રનની તોફાની ઇનિંગ્સ રમી હતી. પાવરપ્લેમાં ૭૯ રન કરનાર ભારતીય ટીમે અંતિમ ૪ ઓવરમાં ૭૧ રન ફટકારી દીધા હતા.
વેસ્ટ ઇન્ડીઝના ૮ બોલિંગ-વિકલ્પોમાંથી સ્પિનર રોસ્ટન ચેઝે ૨૪ રન આપીને ત્રણ વિકેટ લીધી હતી. શમાર સ્પ્રિંગરે ૪ ઓવરમાં ૬૪ રન આપીને ૨ વિકેટ લીધી હતી. મહેન્દ્ર સિંહ ધોનીના હોમટાઉન રાંચીમાં T20 ઇન્ટરનૅશનલમાં પહેલી જ વખત ૨૦૦ પ્લસનો ટીમ સ્કોર નોંધાયો હતો.
રન-ચેઝ સમયે વેસ્ટ ઇન્ડીઝે ૫.૧ ઓવરમાં ૫૮ રનના સ્કોર પર ૩ વિકેટ ગુમાવી દીધી હતી. ઓપનર અને કૅપ્ટન શાઇ હોપે ૪૫ બૉલમાં ૬ ફોર, ૯ સિક્સની મદદથી ૧૦૨ રન કર્યા હતા. પાંચમા ક્રમે રમવા આવેલા શરફેન રદરફોર્ડે ૩૭ બૉલમાં ૭ ફોર, ૭ સિક્સના સહારે ૮૪ રન કર્યા હતા. ચોથી વિકેટ માટે ૫૪ બૉલમાં ૧૨૦ રન કરીને બન્નેએ ભારતીય બોલર્સને બરાબર પરસેવો પડાવ્યો હતો.
ભારત તરફથી ફાસ્ટ બોલર મયંક યાદવે ત્રણ વિકેટ અને સ્પિનર કુલદીપ યાદવે ૧ વિકેટ લીધી હતી. ૬માંથી પાંચ બોલર્સે ૩૦ કે એથી વધુ રન આપી દીધા હતા.