જો ક્રિકેટ શરૂ નહીં થાય તો સાક્ષી અને ધોનીનો આ છે પ્લાન...

01 June, 2020 04:11 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

જો ક્રિકેટ શરૂ નહીં થાય તો સાક્ષી અને ધોનીનો આ છે પ્લાન...

ફાઈલ તસવીર

કોરોના વાયરસ (COVID-19)ને કારણે આખી દુનિયાનું કામકાજ ઠપ થઈ ગયું છે અને બધા જ કાર્યક્રમો, જાહેર મેળાવડા, રમતોત્સવ રદ કરવામાં આવ્યા છે. IPL 2020 પણ અનિશ્ચિત સમય સુધી સ્થગિત કરવામાં આવી છે. આ વર્ષે ઑક્ટોબર મહિનામાં યોજાનાર ICC T20 વર્લ્ડકપ પણ રમાશે કે નહીં તે બાબતે પણ શંકા છે. અત્યારે સામાન્ય માણસોની જેમ ક્રિકેટર્સ પણ લૉકડાઉનનું પાલન કરી રહ્યાં છે અને ઘરમાં પરિવાર સાથે સમય પસાર કરી રહ્યાં છે. પરંતુ બધા જ કાગડોળે રાહ જોઈ રહ્યાં છે ક્યારે આ લૉકડાઉન ખુલશે. લૉકડાઉન ખુલ્યા બાદ શું કરવું તેના દરેક ખેલાડીએ પ્લાન્સ બનાવીને રાખ્યા છે. ત્યારે ભારતીય ક્રિકેટ ટીમના ભુતપુર્વ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની અને પત્ની સાક્ષીના શું પ્લાન છે એ વિષે સાક્ષીએ ખુલાસો કર્યો છે. સાક્ષીએ કહ્યું હતું કે, આખો પરિવાર ઉત્તરાખંડના ડુંગરોમાં સમય પસાર કરવા માંગે છે.  

'ચેન્નઈ સુપર કિંગ્સ'ના ઈન્સ્ટાગ્રામ લાઈવ ચેટ સેશનમાં સાક્ષી ધોનીએ માહીની અનેક વાતો ફેન્સ સાથે શેર કરી અને એ પણ જણાવ્યું કે લૉકડાઉન પછી તેમના શું પ્લાન્સ છે. સાક્ષીએ કહ્યું હતું કે, જો ક્રિકેટ શરૂ થશે તો ક્રિકેટ જ પ્લાન હોય તે સ્વાભાવિક જ છે. પરંતુ મેં અને ધોનીએ ડુંગરો પર જવાની યોજના બનાવી છે. અમે ઉત્તરાખંડ જવાનું વિચારી રહ્યાં છીએ. બાય રોડ જશું અને એક નાના ગામડામાં રહીશું. અમે ફ્લાઈટ દ્વારા પ્રવાસ નહીં કરીએ.

આઈપીએલ વિષે સાક્ષીએ કહ્યું હતું કે, અમને ચેન્નઈ સુપર કિંગ્સની યાદ આવે છે. મને ખબર નથી આઈપીએલનું આયોજન થશે કે નહીં. પરંતુ મારી દીકરી પણ રોજ પુછે છે કે આઈપીએલ ક્યારે શરૂ થશે.

તે સિવાય માહી શા માટે ઈન્સ્ટાગ્રામ લાઈવ પર નથી આવતો તેનો જવાબ આપતા સાક્ષીએ કહ્યું હતું કે, તમને ખબર તો છે જ કે માહીનો સ્વભાવ કેવો છે. તેને ઈન્સ્ટા લાઈવ પર વાત કરતા નથી આવડતું. મને ખબર છે કે એના ચાહકો એના દીવાના છે. પરંતુ આપણે બધા જાણીએ છીએ માહી સોશ્યલ મીડિયા પર બહુ જ ઓછો એક્ટિવ છે.

sports sports news cricket news lockdown ms dhoni mahendra singh dhoni sakshi dhoni