ઝિમ્બાબ્વેને એની સૌથી મોટી ૩૨૮ રનની ટેસ્ટ-હાર આપી સાઉથ આફ્રિકાએ

02 July, 2025 10:22 AM IST  |  London | Gujarati Mid-day Correspondent

૫૩૭ રનના ટાર્ગેટ સામે ચોથા દિવસે ૧૭૬ રન ઉમેરીને બાકીની નવ વિકેટ ગુમાવી પહેલી ટેસ્ટ હાર્યું ઝિમ્બાબ્વે

બે મૅચની સિરીઝમાં ૧-૦ની લીડ મેળવી લીધી સાઉથ આફ્રિકાએ.

યજમાન ટીમ ઝિમ્બાબ્વેને ગઈ કાલે પહેલી મૅચમાં ૩૨૮ રને હરાવીને બે મૅચની ટેસ્ટ-સિરીઝમાં ૧-૦થી લીડ મેળવી લીધી છે. સાઉથ આફ્રિકાએ ૪૧૮ અને ૩૬૯ રનની ઇનિંગ્સના આધારે ૫૩૭ રનનો વિશાળ ટાર્ગેટ આપ્યો હતો. પહેલી ઇનિંગ્સમાં ૨૫૧ રને ધરાશાયી થયેલી ઝિમ્બાબ્વેની ટીમ બીજી ઇનિંગ્સમાં ૨૦૮ રને સમેટાઈ ગઈ હતી. ૧૯ વર્ષનો લુઆન-ડ્રે પ્રિટોરિયસ સાઉથ આફ્રિકા માટે ડેબ્યુ-ટેસ્ટમાં ૧૫૩ રનની રેકૉર્ડ ઇનિંગ્સ રમીને પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો.

ઝિમ્બાબ્વેએ ચોથા દિવસની રમતની શરૂઆતના પહેલા બૉલ એટલે કે ૧૮.૩ ઓવરમાં ૩૨ રનના સ્કોરે વિકેટથી શરૂઆત કરી હતી. ઝિમ્બાબ્વેના કૅપ્ટન ક્રેગ ઍર્વિન (૭૭ બૉલમાં ૪૯ રન) સહિત માત્ર બે બૅટર બીજી ઇનિંગ્સમાં ૪૦ પ્લસ રનની ઇનિંગ્સ રમી શક્યા હતા. સાઉથ આફ્રિકાના ઑલરાઉન્ડર કોર્બિન બૉર્શે તેની પહેલી ટેસ્ટ-સદી અને પાંચ વિકેટ આ જ ટેસ્ટ-મૅચમાં મેળવી હતી. પહેલી ઇનિંગ્સમાં વિકેટલેસ રહ્યા બાદ તેણે બીજી ઇનિંગ્સમાં ૧૨ ઓવરમાં ૪૩ રન આપીને પાંચ વિકેટ લીધી હતી.

9
સતત આટલી ટેસ્ટ-મૅચ જીતીને પોતાના ૨૦૦૨થી ૨૦૦૩ વચ્ચેના જૂના હાઇએસ્ટ રેકૉર્ડની બરાબરી કરી સાઉથ આફ્રિકાએ.

test cricket south africa zimbabwe cricket news sports news sports