૨૧મી સદીમાં પહેલી વાર એક ઇનિંગ્સમાં ત્રણ બૅટર્સે ફટકારી કરીઅરની પહેલવહેલી ટેસ્ટ-સેન્ચુરી

31 October, 2024 10:15 AM IST  |  Dhaka | Gujarati Mid-day Correspondent

સાઉથ આફ્રિકાએ ૫૭૫ રનના સ્કોર પર ઇનિંગ્સ ડિક્લેર કરી, બીજા દિવસના અંતે બંગલાદેશે ૩૮ રનના સ્કોર પર ચાર વિકેટ ગુમાવી: ૧૯૪૮માં દિલ્હીમાં વેસ્ટ ઇન્ડીઝના બૅટર્સે ભારત સામે પહેલી વાર કરી હતી આવી કમાલ

વિયાન મલ્ડરે ૧૦૫ રન ફટકાર્યા હતા.

બંગલાદેશ સામેની બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ ગઈ કાલે છ વિકેટે ૫૭૫ રન પર પહેલી ઇનિંગ્સ ડિક્લેર કરી હતી, જવાબમાં બંગલાદેશની ટીમે ૯ ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને ૩૮ રન બનાવ્યા છે. સાઉથ આફ્રિકાની ટીમ પાસે હજી ૫૩૭ રનની લીડ છે. સાઉથ આફ્રિકાની ટીમે બીજા દિવસની શરૂઆત ૩૦૭/૨ના સ્કોરથી કરી હતી.

એક સમયે બંગલાદેશના સ્પિનર તૈજુલ ઇસ્લામે પાંચ રનમાં ત્રણ વિકેટ લઈને બંગલાદેશની વાપસી કરાવી હતી જેને કારણે સાઉથ આફ્રિકાનો સ્કોર ૩૮૬/૨થી ૩૯૧/૫ થઈ ગયો હતો. ટોની ડીઝોર્ઝી (૧૭૭ રન) અને ટ્રિસ્ટન સ્ટબ્સ (૧૦૬ રન)ની સેન્ચુરી બાદ ઑલરાઉન્ડર વિયાન મલ્ડરે (૧૦૫ રન) પણ સેન્ચુરી ફટકારી હતી. એશિયાની ધરતી પર સાઉથ આફ્રિકાના ત્રણ બૅટર્સે સેન્ચુરી ફટકારી હોય એવી આ પહેલી ઘટના છે. એની સાથે જ ત્રણ બૅટર્સે એક ટેસ્ટ-ઇનિંગ્સમાં કરીઅરની પહેલી ટેસ્ટ-સેન્ચુરી ફટકારી હોય એવી આ ૨૧મી સદીની પહેલી અને ઓવરઑલ બીજી ઘટના છે. નવેમ્બર ૧૯૪૮ એટલે કે ઑલમોસ્ટ ૭૬ વર્ષ પહેલાં દિલ્હીમાં ભારતીય ટીમ સામે એક જ ઇનિંગ્સમાં વેસ્ટ ઇન્ડીઝના ત્રણ બૅટર્સે કરીઅરની પહેલી ટેસ્ટ-સેન્ચુરી ફટકારવાની કમાલ કરી હતી. એ મૅચ ડ્રૉ રહી હતી.

17- સાઉથ આફ્રિકાએ આટલી સિક્સર ફટકારી પહેલી ઇનિંગ્સમાં, સાઉથ આફ્રિકા માટે આ ટેસ્ટ-ઇનિંગ્સનો હાઇએસ્ટ રેકૉર્ડ બન્યો.

south africa bangladesh dhaka cricket news sports news sports