મને નથી લાગતું કે જીવનમાં હું ક્યારેય ૧૫ વર્ષના એક બાળકથી આટલો ડર્યો હોઉં

03 May, 2026 08:21 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૧૫ વર્ષના વૈભવની વિકેટ લઈને ઉગ્ર ઉજવણી કરનાર કાઇલ જૅમીસનને ડીમેરિટ પૉઇન્ટ સાથે મળી ચેતવણી

વૈભવ સૂર્યવંશીની નજીક પહોંચીને કાઇલ જૅમીસન જોરજોરથી તાળી વગાડતો જોવા મળ્યો.

શુક્રવારે ૧૫ વર્ષના વૈભવ સૂર્યવંશીને બોલ્ડ કરીને ૩૧ વર્ષના ન્યુ ઝીલૅન્ડના ફાસ્ટ બોલર કાઇલ જૅમીસને  ઉગ્ર ઉજવણી કરી હતી. આવી ઉજવણી બદલ IPL આચારસંહિતાના લેવલ-વનના ભંગ બદલ તેને એક ડીમેરિટ પૉઇન્ટ આપવામાં આવ્યો છે અને ચેતવણી આપવામાં આવી છે. આ પેસ બોલરે મૅચ અધિકારીઓ દ્વારા લાદવામાં આવેલા આરોપ અને સજા સ્વીકારી છે. દિલ્હી કૅપિટલ્સના બોલર કાઇલ જૅમીસને રાજસ્થાન સામે ૪ ઓવરમાં ૪૮ રન આપીને એક જ વિકેટ લીધી હતી. તેની પહેલી ઓવરના ચોથા બૉલ પર વૈભવ સૂર્યવંશીએ ફોર ફટકારીને હજી પોતાની ઇનિંગ્સની શરૂઆત જ કરી હતી. બીજા જ બૉલે કાઇલ જૅમીસને લો ડિપિંગ ફુલ-ટૉસ ફેંકીને વૈભવને બોલ્ડ કર્યો હતો. વૈભવ સૂર્યવંશી જસપ્રીત બુમરાહ સહિતના બોલર્સ સામે ગગનચુંબી સિક્સરો ફટકારી ચૂક્યો છે. તેની વિકેટ લેવી હવે દરેક બોલર માટે એક મોટી સિદ્ધિ બની ગઈ છે. મૅચ બાદ કાઇલ જૅમીસને કહ્યું હતું કે મને નથી લાગતું કે હું મારા જીવનમાં ક્યારેય ૧૫ વર્ષના બાળકથી આટલો ડર્યો હોઉં.

દિલ્હી કૅપિટલ્સે રેકૉર્ડ રન-ચેઝવાળી જીત બે દિવંગત કઝિન ભાઈઓને સમર્પિત કરી

રાજસ્થાન સામે પોતાનો ૨૨૬ રનનો હાઇએસ્ટ ટાર્ગેટ ચેઝ કરીને દિલ્હી કૅપિટલ્સે બે દિવંગત કઝિન ભાઈઓને જીત સમર્પિત કરી હતી. ગયા સોમવારે અરુણ જેટલી સ્ટેડિયમમાં રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ સામેની મૅચ જોયા બાદ દિલ્હીની ટીમના ફૅન્સ અભવ (૧૪ વર્ષ) અને યજ્ઞ ભાટિયા (૨૦ વર્ષ)એ ઍક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો હતો. આ બન્ને કઝિન ભાઈઓ હિટ ઍન્ડ રનના શિકાર બન્યા હતા. રાતના સમયે મૅચ જોઈને ઘરે પાછા આવી રહેલા આ ભાઈઓની બાઇક એક ટ્રક સાથે ટકરાઈ હતી. દિલ્હી કૅપિટલ્સે આ દુર્ઘટના બાદ બન્ને ભાઈઓના ફોટો શૅર કરીને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમની યાદમાં આખી ટીમ હાથ પર કાળી પટ્ટી બાંધીને મેદાન પર ઊતરી હતી. જીત બાદ કૅપ્ટન અક્ષર પટેલે આ બન્ને ભાઈઓને જીત સમર્પિત કરવાની જાહેરાત કરી હતી. 

IPL 2026 delhi capitals sports news sports rajasthan royals vaibhav sooryavanshi axar patel cricket news