23 June, 2025 10:38 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હરભજન સિંહે પોતાના શો પર ભૂલવાની આદત ધરાવતા રોહિત શર્માને બદામના આકારવાળું ઓશીકું ગિફ્ટ કર્યું હતું.
ભારતીય ક્રિકેટર રોહિત શર્માએ તેની પત્ની રિતિકા સજદેહને લગ્ન માટે પ્રપોઝ કઈ રીતે કર્યું એના વિશે રસપ્રદ ખુલાસો કર્યો છે. ભારતના ભૂતપૂર્વ સ્પિનર હરભજન સિંહ અને તેની પત્ની ગીતા બસરાના શો હુઝ ધ બૉસ?માં વાતચીત દરમ્યાન રોહિત શર્માએ ખુલાસો કર્યો હતો કે તે રિતિકાને આઇસક્રીમ ખવડાવવાના બહાને મેદાન પર લઈ ગયો હતો.
રોહિત શર્માએ કહ્યું હતું કે ‘મારી પ્રપોઝલ ખૂબ જ રોમૅન્ટિક હતી. હું તેને એ જગ્યાએ લઈ ગયો જ્યાં મેં ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું. અમે ત્યાં જ હતા (મરીન ડ્રાઇવની બાજુમાં ક્યાંક). ઘરનું ફૂડ ખાધા બાદ મેં તેને કહ્યું કે ચાલો આઇસક્રીમ ખાવા જઈએ, મને કંટાળો આવી રહ્યો છે. પછી અમે કાર કાઢી અને ચાલ્યા ગયા. અમે મરીન ડ્રાઇવ પસાર કર્યું, હાજી અલી અને વરલી પાર કર્યું. તો તેણે પૂછ્યું કે આઇસક્રીમની દુકાન ક્યાં છે? બાંદરા પછી તેને કોઈ દુકાન વિશે ખબર નથી. મેં તેને કહ્યું કે બોરીવલીમાં એક સારી દુકાન છે, જ્યાં હું રહું છું. તું ક્યારેય ત્યાં ગઈ નથી તો ચાલ, હું તને બતાવી દઉં.’
રોહિત શર્મા કહે છે, ‘મેદાન પર સંપૂર્ણ અંધારું હતું અને તેને ખ્યાલ પણ નહોતો કે એ એક મેદાન છે. પછી મેં મારા મિત્રને છુપાઈને એ ક્ષણને કેદ કરવા માટે ત્યાં રહેવા કહ્યું. અમે કાર પાર્ક કરી. પછી હું મેદાનની વચ્ચે પિચ પર ઘૂંટણિયે બેસી ગયો. પછી મેં તેને પ્રપોઝ કર્યું.’
૨૦૧૫માં બન્નેનાં લગ્ન થયાં એ પહેલાંથી લઈને હમણાં સુધી રિતિકા મુંબઈના ક્રિકેટરની બ્રૅન્ડ ડીલ્સને મૅનેજ કરે છે.