09 April, 2025 09:35 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મૅચ બાદ ફાસ્ટ બોલર યશ દયાલની જર્સી પર ઑટોગ્રાફ
ભારતીય ટીમનો કૅપ્ટન અને મુંબઈ ઇન્ડિયન્સનો અનુભવી બૅટર રોહિત શર્મા હાલમાં IPL 2025માં ખરાબ ફૉર્મનો સામનો કરી રહ્યો છે. સોમવારે વાનખેડે સ્ટેડિયમમાં પણ તે બે ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી નવ બૉલમાં ૧૭ રનની જ ઇનિંગ્સ રમી શક્યો હતો. આ મુશ્કેલ સમયમાં તેના માટે એક રસપ્રદ સમાચાર સામે આવ્યા છે.
વાનખેડે સ્ટેડિયમની અંદર ભારતના ભૂતપૂર્વ સ્ટાર બૅટર્સ સુનીલ ગાવસકર અને સચિન તેન્ડુકરનાં નામનાં સ્ટૅન્ડ છે. મુંબઈ ક્રિકેટ અસોસિએશન (MCA) પાસે હવે એક સ્ટૅન્ડ નામ આપવા માટે ઉપલબ્ધ છે. પ્રેસિડન્ટ બૉક્સ પાસેના આ સ્ટૅન્ડના નામ માટે ક્લબના સભ્યો તરફથી આઠ જેટલા મહાનુભવોનાં નામની વિનંતી આવી છે જેમાં ભારતીય કૅપ્ટન રોહિત શર્માનું નામ પણ સામેલ છે. અહેવાલ અનુસાર આ નિર્ણય ૧૫ એપ્રિલે MCAની ઍપેક્સ કાઉન્સિલની બેઠક દરમ્યાન લેવામાં આવશે. વાનખેડે સ્ટેડિયમમાં બૅન્ગલોર સામે લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર યશ દયાલની ઓવરમાં બોલ્ડ થયો હતો રોહિત શર્મા. મૅચ બાદ તેની જર્સી પર ઑટોગ્રાફ કરીને શુભેચ્છા પાઠવી હિટમૅને.