21 April, 2025 07:02 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રોહિત શર્મા
ભારતીય કૅપ્ટન રોહિત શર્મા હાલમાં T20 મુંબઈ લીગની ટ્રોફી લૉન્ચની ઇવેન્ટમાં ભાવુક જોવા મળ્યો હતો. મુંબઈ ક્રિકેટ અસોસિએશન (MCA)એ વાનખેડે સ્ટેડિયમમાં એક સ્ટૅન્ડનું નામ રોહિત શર્મા પરથી રાખવાનો નિર્ણય કર્યા બાદ તેને T20 મુંબઈ લીગની ત્રીજી સીઝન માટે ઍમ્બૅસૅડર બનાવ્યો છે.
આ સન્માન વિશે વાત કરતાં રોહિત શર્મા કહે છે, ‘જ્યારે કોઈ ક્રિકેટ રમવાનું શરૂ કરે છે ત્યારે કોઈ આવી વસ્તુઓનું સ્વપ્ન પણ જોતું નથી. મને હજી પણ એ દિવસો યાદ છે જ્યારે હું મુંબઈ રણજી ટ્રોફી ટીમની પ્રૅક્ટિસ જોવા માટે વાનખેડે સ્ટેડિયમની બહાર ઊભો રહેતો હતો. હું ૨૦૦૪ કે કદાચ ૨૦૦૩ની વાત કરી રહ્યો છું. અમે આઝાદ મેદાનમાં અમારી અન્ડર-14, અન્ડર-16 તાલીમ પૂર્ણ કરતા હતા. હું મારા કેટલાક મિત્રો સાથે રણજી ટ્રોફીના કેટલાક ક્રિકેટરોની એક ઝલક જોવા માટે (સ્ટેડિયમ પાસેનો) રેલવે ટ્રૅક પાર કરતો હતો.’
જૂના દિવસોને યાદ કરતાં રોહિત આગળ કહે છે, ‘મને ખબર છે કે એ સમયે વાનખેડે સ્ટેડિયમની અંદર પ્રવેશવું કેટલું મુશ્કેલ હતું, પરંતુ એ દિવસો પણ સારા હતા. હવે બેસીને વિચારું છું કે મારા નામ પરથી એક સ્ટેડિયમના સ્ટૅન્ડનું નામ આપવામાં આવશે, એ એક અવાસ્તવિક અનુભૂતિ છે. આ એવું કંઈક છે જે મેં ક્યારેય વિચાર્યું નહોતું કે બનશે અને હું મારા જીવનમાં આ મહાન સન્માન માટે હંમેશાં આભારી રહીશ. એક વાર હું સ્ટૅન્ડ પર મારું નામ જોઉં, એ મારા માટે ખૂબ જ ભાવનાત્મક ક્ષણ હશે.’