10 May, 2025 11:53 AM IST | Islamabad | Gujarati Mid-day Correspondent
ફાઈલ તસવીર
શુક્રવારે બપોરે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ ભારત સાથે ચાલી રહેલા સૈન્યસંઘર્ષને કારણે પાકિસ્તાન સુપર લીગ (PSL)ની ફાઇનલ સહિતની આઠ મૅચ યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE)માં ખસેડવાનો નિર્ણય કરી લીધો હતો. ગુરુવારે રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમમાં ઇન્ડિયન આર્મી દ્વારા કરવામાં આવેલા ડ્રોન-હુમલાને કારણે એ સ્ટેડિયમમાં આયોજિત મૅચ રદ કરવામાં આવી હતી.
છ ટીમ વચ્ચેની રાવલપિંડી, મુલતાન અને લાહોરમાં રમાનારી ચાર ગ્રુપ-સ્ટેજ અને ચાર પ્લેઑફની મૅચ UAEમાં યોજવાની તૈયારી તેમણે શરૂ કરી દીધી હતી, પણ અહેવાલ અનુસાર UAE ક્રિકેટ બોર્ડે આ લીગની મૅચ તેમની ધરતી પર યોજવાની વિનંતી સ્વીકારી નહોતી. જેને કારણે PCBએ સરકારી આદેશનું બહાનું કાઢીને લીગને સ્થગિત કરવાનો નિર્ણય લીધો હતો. સાંજે PCBના નિવેદનમાં કહેવામાં આવ્યું કે વડા પ્રધાન શાહબાઝ શરીફ પાસેથી મળેલી સલાહ અનુસાર લીગ મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
પાકિસ્તાનને ના પાડવા પાછળનું કારણ શું હોઈ શકે?
તાજેતરનાં વર્ષોમાં UAE ક્રિકેટ બોર્ડના BCCI સાથે મજબૂત સંબંધો રહ્યા છે. એ T20 વર્લ્ડ કપ 2021 અને ચૅમ્પિયન્સ ટ્રોફી 2025 દરમ્યાન ભારતમાં મૅચો ઉપરાંત IPLનું પણ આયોજન કરી ચૂક્યું છે. UAEનું દુબઈ ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલનું હેડ ક્વૉર્ટર પણ છે, જેના પ્રમુખ ભૂતપૂર્વ BCCI સચિવ જય શાહ છે. UAEમાં મોટી સંખ્યામાં સાઉથ એશિયાઈ લોકો છે જેમને ક્રિકેટનો ખૂબ શોખ છે.
આટલા તનાવ વચ્ચે PSLનું આયોજન કરવાથી માહોલ બગડી શકે છે, સુરક્ષા માટે ખતરો ઊભો થઈ શકે છે અને બે સમુદાયો વચ્ચે બિનજરૂરી તનાવ પેદા થઈ શકે છે. ભારતીય બોર્ડ સાથે સારા સંબંધો જાળવી રાખવા માટે UAE ક્રિકેટ બોર્ડે આ નિર્ણય લીધો હોય એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.