ગુજરાતને પોતાના ગઢમાં હરાવીને ટાઇટલ ડિફેન્ડ કરવાનો પડકાર બૅન્ગલોર સામે

31 May, 2026 07:47 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

આજે IPL 2026ની ફાઇનલ મૅચ રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે. બીજી વખત ટ્રોફી ઉપાડવા બન્ને ટીમ વચ્ચે પ્રતિષ્ઠાનો અંતિમ જંગ, અમદાવાદમાં બૅન્ગલોરનો રેકૉર્ડ ફિફ્ટી-ફિફ્ટી, જ્યારે ગુજરાત ૬૦ ટકા મૅચ જીત્યું છે

મૅચનો સમય સાંજે ૭.૩૦ વાગ્યાથી

અમદાવાદ સ્થિત વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં આજે ક્રિકેટનો જલસો જોવા મળશે. IPLની ૧૯મી સીઝનની ફાઇનલ મૅચમાં આજે ડિફેન્ડિંગ ચૅમ્પિયન રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ (RCB) સામે ગુજરાત ટાઇટન્સ (GT) ટકરાશે. બન્ને ટીમ એકબીજા સામે પહેલી વખત ફાઇનલ મૅચ રમશે. અગાઉ પ્લેઑફમાં બન્ને ટીમની એક માત્ર ટક્કર આ વર્ષે ક્વૉલિફાયર 1 મૅચમાં થઈ હતી. એ મૅચમાં બૅન્ગલોરે ૨૫૪ રનનો તોતિંગ સ્કોર ઊભો કરીને ૯૨ રને જીત નોંધાવી હતી. બૅન્ગલોર અને ગુજરાતે પોતાની પહેલી અને એકમાત્ર ટ્રોફી અમદાવાદમાં જ ઉપાડી હતી. આજે બન્ને ટીમ બીજી વખત ટાઇટલ જીતવા માટે ફરી આ મેદાન પર ઊતરશે. ૨૦૨૨ અને ૨૦૨૩ બાદ ગુજરાત આ વખતે ત્રીજી વખત IPL ફાઇનલ રમશે. ૨૦૨૨ની ૨૯ મેએ ગુજરાતે રાજસ્થાનને હરાવીને પહેલું ટાઇટલ જીત્યું હતું. બૅન્ગલોરે ગયા વર્ષે ત્રીજી જૂને પંજાબને હરાવીને લગભગ ૧૮ વર્ષના ટાઇટલ દુકાળનો અંત કર્યો હતો. બૅન્ગલોર ૨૦૦૯, ૨૦૧૧, ૨૦૧૬ અને ૨૦૨૫ બાદ પાંચમી વખત ફાઇનલ જંગમાં ઊતરશે. બન્ને ટીમ એકબીજા સામે ૧૦મી વખત રમશે. ગુજરાત પાસે બૅન્ગલોર સામેનો જીતનો રેકૉર્ડ ૫-૫થી બરાબર કરવાની તક રહેશે. આ સીઝનની લીગ-સ્ટેજની બન્ને મૅચમાંથી બન્નેને એક-એક જીત મળી હતી. આ જીત બન્ને ટીમે પોતાના હોમગ્રાઉન્ડ પર મેળવી હતી.

બૅક-ટુ-બૅક ફાઇનલ મૅચ રમનાર ટીમો 

ચેન્નઈ - ૨૦૧૦-૨૦૧૧ અને ૨૦૧૮-૨૦૧૯ 
મુંબઈ - ૨૦૧૯-૨૦૨૦ 
ગુજરાત - ૨૦૨૨-૨૦૨૩ 
બૅન્ગલોર - ૨૦૨૫-૨૦૨૬ 

બન્ને ટીમનો હેડ-ટુ-હેડ રેકૉર્ડ 

મૅચ

બૅન્ગલોરની જીત

ગુજરાતની જીત

અમદાવાદમાં સૌથી વધુ T20 રન ફટકારનાર બૅટર્સ 

શુભમન ગિલ - ૩૨ મૅચમાં ૧૫૦૦ રન 
સાઈ સુદર્શન - ૨૯ મૅચમાં ૧૩૯૦ રન 
જૉસ બટલર - ૨૨ મૅચમાં ૮૩૦ રન 
વિરાટ કોહલી - ૧૪ મૅચમાં ૫૪૮ રન
હાર્દિક પંડ્યા - ૨૪ મૅચમાં ૫૨૧ રન 

વૈભવ સૂર્યવંશીની ઑરેન્જ કૅપ છીનવી લેવાની રેસ 

રાજસ્થાનનો વૈભવ સૂર્યવંશી હાલમાં ૭૭૬ રન સાથે ઑરેન્જ કૅપ હોલ્ડર છે. ગુજરાતના ઓપનર્સ આ લિસ્ટમાં બીજા અને ત્રીજા ક્રમે છે. શુભમન ગિલે ૭૨૨ રન અને સાઈ સુદર્શને ૭૧૦ રન કર્યા છે. બન્ને ખેલાડીઓ જો ૫૦ કે ૬૦ પ્લસનો સ્કોર કરવામાં નિષ્ફળ રહ્યા તો ઑરેન્જ કૅપ વૈભવ પાસે જ રહેશે. આ લિસ્ટમાં છઠ્ઠા ક્રમે ૬૦૦ રન સાથે બૅન્ગલોરનો વિરાટ કોહલી છે. 

શું કહે છે હરીફ કૅપ્ટનો?

"મારું ધ્યાન હમણાં કોઈ પણ કૅપ્ટન્સના રેકૉર્ડની બરાબરી કરવા પર, ભારતીય ટીમમાં સિલેક્શન કે નૅશનલ ટીમના કૅપ્ટન બનવા પર નથી. અમે ૨૦૨૫ની વધારે ચર્ચા કરતા નથી. અમારી એ જ માનસિકતા છે કે અમે અહીં કોઈ વસ્તુ ડિફેન્ડ કરવા નથી આવ્યા, માત્ર ટ્રોફી જીતવા આવ્યા છીએ." - બૅન્ગલોરનો કૅપ્ટન રજત પાટીદાર

"ફાઇનલ મૅચ પહેલાં અલગ-અલગ સ્થળો પર મૅચ માટે ટ્રાવેલ કરવું પડકારજનક હતું. ડાયરેક્ટ ફાઇનલમાં પહોંચેલી બૅન્ગલોરની ટીમને શારીરિક રીતે ફાયદો થઈ શકે છે. જોકે ફાઇનલ મૅચ માનસિકતા વિશે છે. જે ટીમ માનસિક રીતે પડકાર માટે તૈયાર છે એ જ જીતશે". - ગુજરાતનો કૅપ્ટન શુભમન ગિલ

૧૮માંથી ૧૦ વખત પહેલાં બૅટિંગ કરીને ટીમો જીતી છે ટાઇટલ

IPLની હમણાં સુધીની ૧૮ ફાઇનલ મૅચમાં ટાર્ગેટ ડિફેન્ડ કરીને ૧૦ વખત ટીમો ટાઇટલ જીતી છે. ૨૦૦૯માં ડેક્કન ચાર્જર્સ, ૨૦૧૦ અને ૨૦૧૧માં ચેન્નઈ, ૨૦૧૩ અને ૨૦૧૫માં મુંબઈ, ૨૦૧૬માં હૈદરાબાદ, ૨૦૧૭ અને ૨૦૧૯માં મુંબઈ, ૨૦૨૧માં ચેન્નઈ અને ૨૦૨૫માં બૅન્ગલોર ટાર્ગેટ ડિફેન્ડ કરીને ચૅમ્પિયન બન્યાં હતાં. ૨૦૦૮માં રાજસ્થાન, ૨૦૧૨ અને ૨૦૧૪માં કલકત્તા, ૨૦૧૮માં ચેન્નઈ, ૨૦૨૦માં મુંબઈ, ૨૦૨૨માં ગુજરાત, ૨૦૨૩માં ચેન્નઈ અને ૨૦૨૪માં કલકત્તા ટાર્ગેટ ચેઝ કરીને ટ્રોફી જીત્યાં હતાં. 

IPL ફાઇનલનો 214/4 હાઇએસ્ટ સ્કોર ગુજરાતે ૨૦૨૩માં ચેન્નઈ સામે કર્યો હતો.

113/10 લોએસ્ટ IPL ફાઇનલ સ્કોર ૨૦૨૪માં હૈદરાબાદે કલકત્તા સામે કર્યો હતો.

અમદાવાદમાં કેવો રહ્યો છે બન્ને ટીમનો રેકૉર્ડ? 

અમદાવાદમાં ગુજરાતની ટીમ ૩૦ મૅચ રમી છે એમાંથી ૧૮ જીત અને ૧૨ હાર મળી છે. વર્તમાન સીઝનની ૭ હોમ-મૅચમાંથી ગુજરાત માત્ર મુંબઈ અને રાજસ્થાન સામે હાર્યું હતું. બૅન્ગલોર, કલકત્તા, હૈદરાબાદ, પંજાબ અને ચેન્નઈ સામેની મૅચમાં ગુજરાતે શાનદાર જીત મેળવી હતી. ગુજરાત અહીં છેલ્લી ચાર મૅચથી અજેય છે. બૅન્ગલોરને અહીં પોતાની ૮ મૅચમાં ૪ જીત અને ૪ હાર મળી છે. હોમ-ટીમ ગુજરાત સામે બૅન્ગલોર અહીં બે મૅચમાંથી એકમાત્ર જીત એપ્રિલ ૨૦૨૪માં નોંધાવી શક્યું હતું.

વર્ષગાંઠ પહેલાં રજત પાટીદાર પાસે ઇતિહાસ રચવાની તક 

બૅન્ગલોરનો કૅપ્ટન રજત પાટીદાર ૧ જૂને ૩૩ વર્ષનો થશે. તેની પાસે વર્ષગાંઠ પહેલાં ઇતિહાસ રચવાની તક છે. IPL ઇતિહાસમાં માત્ર ચેન્નઈ અને મુંબઈની ટીમ બૅક-ટુ-બૅક ટાઇટલ જીતી છે. મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાનીમાં ચેન્નઈએ ૨૦૧૦ અને ૨૦૧૧માં જ્યારે રોહિત શર્માની કૅપ્ટન્સીમાં મુંબઈએ ૨૦૧૯ અને ૨૦૨૦માં આ કમાલ કરી હતી. બૅન્ગલોર પાસે ૨૦૨૫ બાદ ૨૦૨૬માં સતત બીજી વખત ટાઇટલ જીતવાની તક છે. 

પર્પલ કૅપ માટે રબાડા અને ભુવી વચ્ચે જબરદસ્ત જંગ 

સીઝનમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલરને પર્પલ કૅપ મળે છે. હાલમાં ગુજરાતનો ફાસ્ટ બોલર કૅગિસો રબાડા ૨૮ વિકેટ સાથે પર્પલ કૅપ-હોલ્ડર છે. બૅન્ગલોરનો ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર ૨૬ વિકેટ સાથે આ લિસ્ટમાં બીજા ક્રમે છે.

IPL 2026 royal challengers bangalore gujarat titans sports news sports cricket news rajat patidar shubman gill narendra modi stadium