19 May, 2025 06:51 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જસપરિત બુમરાહ અને રવિ શાસ્ત્રી
રવિ શાસ્ત્રી માને છે કે શુભમન ગિલ અને રિષભ પંત ટેસ્ટ-ફૉર્મેટમાં ભારતની કૅપ્ટન્સી માટે વધુ સારા વિકલ્પ હશે, કારણ કે તેમને IPLમાં ટીમનું નેતૃત્વ કરવાનો અનુભવ છે અને તેઓ આ ભૂમિકા માટે આદર્શ ઉંમરના છે. ICC રિવ્યુમાં તેમણે કહ્યું, ‘હું નથી ઇચ્છતો કે જસપ્રીત બુમરાહને કૅપ્ટન બનાવવામાં આવે. આનાથી તમે તેને બોલર તરીકે ગુમાવી શકો છો. મને લાગે છે કે તેણે દરેક મૅચ દરમ્યાન પોતાના શરીર પર ધ્યાન આપવું જોઈએ. તે ગંભીર ઈજા બાદ વાપસી કરી રહ્યો છે. તે IPLમાં પાછો ફર્યો છે. આ ચાર ઓવરનું ક્રિકેટ છે. હવે ૧૦ ઓવર, ૧૫ ઓવર (ટેસ્ટમાં) બોલિંગ કરવાની કસોટી થશે. તમે ઇચ્છશો નહીં કે કૅપ્ટન તરીકે તેના મગજ પર કોઈ વધારાનું પ્રેશર હોય.’
રવિ શાસ્ત્રી આગળ કહે છે, ‘કૅપ્ટન નક્કી કરતી વખતે બોર્ડે ઉમેદવારની ઉંમર અને તે કેટલો સમય ક્રિકેટ રમી શકે છે એ ધ્યાનમાં રાખવું જોઈએ. ગિલ પચીસ વર્ષનો છે જ્યારે પંત ૨૭ વર્ષનો છે. મને લાગે છે કે તે બન્ને સારા પ્લેયર્સ છે અને ઉંમરની કસોટી પર પણ ખરા ઊતરે છે. તેમની પાસે એક દાયકાનો સમય છે. તેમને શીખવાની અને સમજવાની તક આપવી જોઈએ. તેમને કૅપ્ટન તરીકે પણ થોડો અનુભવ છે. તેઓ IPLમાં પોતાની ટીમનું નેતૃત્વ કરી રહ્યા છે અને એનાથી ફરક પડે છે.’