એક રણજી ટ્રોફી સીઝનમાં સેન્ચુરી ફટકારનાર અને હૅટ-ટ્રિક લેનાર પહેલો ક્રિકેટર બન્યો શાર્દૂલ ઠાકુર

31 January, 2025 08:59 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મેઘાલયની ટીમે મૅચની શરૂઆતમાં ૩.૧ ઓવરમાં બે રનના સ્કોરે ૬ વિકેટ ગુમાવી દીધી, ૮૬માં આૅલઆઉટ થયું : મુંબઈના બે વિકેટે ૨૧૩ રન

મૅચ દરમ્યાન બોલિંગ કરતો ઑલરાઉન્ડર શાર્દૂલ ઠાકુર. તેણે ચાર વિકેટ લીધી હતી.

બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સના મેદાન પર ગઈ કાલે મુંબઈ અને મેઘાલય વચ્ચે અંતિમ રાઉન્ડની રણજી મૅચ શરૂ થઈ હતી. મુંબઈએ ટૉસ જીતીને હરીફ ટીમને બૅટિંગનું આમંત્રણ આપ્યું હતું, પણ મેઘાલયની ટીમ ૨૪.૩ ઓવરમાં ૮૬ રનના સ્કોર પર સમેટાઈ ગઈ હતી. જવાબમાં મુંબઈની ટીમે પહેલા દિવસે ૫૯ ઓવરમાં બે વિકેટે ૨૧૩ રન ફટકારીને ૧૨૭ રનની લીડ મેળવી લીધી છે.

૩.૧ ઓવરમાં બે રનના સ્કોર પર ૬ વિકેટ ગુમાવીને મેઘાલયે રણજી ટ્રોફીના ઇતિહાસમાં ઇનિંગ્સની સૌથી ખરાબ શરૂઆત કરી હતી. વિકેટ પર ભેજ અને નવા બૉલનો ફાયદો ઉઠાવતાં મુંબઈના ફાસ્ટ બોલર શાર્દૂલ ઠાકુર (ચાર વિકેટ) અને મોહિત અવસ્થીએ (ત્રણ વિકેટ) ધડાધડ પહેલી છ વિકેટ ઝડપી લીધી હતી. કૅપ્ટન અજિંક્ય રહાણે (૮૩ રન) સાથે મિડલ ઑર્ડર બૅટર સિદ્ધેશ લાડે (૮૯ રન) મુંબઈની ઇનિંગ્સને સારી રીતે સંભાળી છે. ત્રીજી વિકેટ માટે તેમણે અણનમ ૧૭૦ રનની પાર્ટનરશિપ કરી છે.

ઑલરાઉન્ડર શાર્દૂલ ઠાકુરે મેઘાલયના ત્રણ બૅટરને સસ્તામાં આઉટ કરીને રણજી ટ્રોફીમાં પોતાની પહેલી હૅટ-ટ્રિક લીધી છે. તે મુંબઈ માટે રણજી ટ્રોફીમાં આ કમાલ કરનાર પાંચમો બોલર બન્યો છે. જમ્મુ-કાશ્મીર સામે યાદગાર સેન્ચુરી ફટકાર્યા બાદ તેણે હવે હૅટ-ટ્રિકની સિદ્ધિ પણ મેળવી છે જેને કારણે તે એક રણજી ટ્રોફી સીઝનમાં જ સેન્ચુરી ફટકારનાર અને હૅટ-ટ્રિક લેનાર પહેલો ક્રિકેટર બન્યો છે.

ranji trophy mumbai meghalaya shardul thakur ajinkya rahane mumbai ranji team bandra kurla complex cricket news sports news sports