મુંબઈ સામે હિમાચલ પ્રદેશ પર ફૉલો-ઑનનું સંકટ

10 November, 2025 01:54 PM IST  |  Pune | Gujarati Mid-day Correspondent

મુંબઈને ૪૪૬ રને આૅલઆઉટ કરીને હિમાચલ પ્રદેશે પહેલી ઇનિંગ્સમાં ૯૪ રનમાં ૭ વિકેટ ગુમાવી

મુંબઈના મુશીર ખાને ૧૧૨ રન કર્યા હતા

MCA ક્રિકેટ ગ્રાઉન્ડમાં આયોજિત મુંબઈ-હિમાચલ પ્રદેશની રણજી ટ્રોફી મૅચના બીજા દિવસની રમતમાં યજમાન ટીમે પકડ મજબૂત કરી છે. મુંબઈ ૧૩૭.૨ ઓવરમાં ૪૪૬ રન કરીને પહેલા દાવમાં ઑલઆઉટ થયું હતું. બીજા દિવસના અંતે હિમાચલ પ્રદેશ ૩૭ ઓવરમાં ૯૪ રનની અંદર સાત વિકેટ ગુમાવીને મુશ્કેલીમાં મુકાયું હતું. મુંબઈ પાસે હાલમાં ૩૫૨ રનની વિશાળ લીડ બાકી છે.

મુંબઈ માટે મુશીર ખાનના ૧૧૨ રન અને સિદ્ધેશ લાડે ૧૨૭ રન ફટકારી મજબૂત સ્કોરનો પાયો નાખ્યો હતો. અંતિમ ઓવર્સમાં ઑલરાઉન્ડર શમ્સ મુલાનીએ ૧૨૨ બૉલમાં ૬૯ રન અને તુષાર દેશપાંડેએ ૬૬ બૉલમાં ૩૮ રન કરીને ટીમનો સ્કોર ૪૦૦ રનને પાર પહોંચાડ્યો હતો.

મુંબઈના બોલિંગ-યુનિટ સામે હિમાચલ પ્રદેશની અડધી ટીમ ૨૪મી ઓવરમાં ૫૯ રનના સ્કોર પર પૅવિલિયન પરત ફરી હતી. મુંબઈના સ્પિનર ​​હિમાંશુ સિંહે આઠ ઓવરમાં ૨૬ રન આપીને ત્રણ મિડલ ઑર્ડર બૅટરને આઉટ કરી હરીફ ટીમ પર ફૉલો-ઑનનું સંકટ ઊભું કર્યું છે. તુષાર દેશપાંડેને બે વિકેટ જ્યારે શાર્દૂલ ઠાકુર અને શમ્સ મુલાનીને એક-એક સફળતા મળી હતી. 

ranji trophy mumbai himachal pradesh cricket news sports sports news