03 March, 2025 09:37 AM IST | Nagpur | Gujarati Mid-day Correspondent
ચૅમ્પિયન બન્યા બાદ વિદર્ભના પ્લેયર્સે કરી ટ્રોફી સાથે જીતની ઉજવણી.
નાગપુરમાં રણજી ટ્રોફીની ૯૦મી સીઝનની ફાઇનલ ડ્રૉ રહ્યા બાદ પહેલી ઇનિંગ્સની ૩૭ રનની લીડના આધારે વિદર્ભની ટીમ ૨૦૨૪-’૨૫ માટે વિજેતા જાહેરાત થઈ હતી. પાંચમા દિવસે ૯૦ ઓવરમાં ચાર વિકેટે ૨૪૯ રનના સ્કોરથી ઇનિંગ્સની શરૂઆત કરનાર વિદર્ભે બીજી ઇનિંગ્સમાં ટી-બ્રેક પહેલાં ૧૪૩.૫ ઓવરમાં ૯ વિકેટ ગુમાવીને ૩૭૫ રનનો સ્કોર કરીને ૪૧૨ રનની જંગી લીડ મેળવી હતી. કેરલા માટે આ સ્કોર પહોંચની બહાર હોવાથી કૅપ્ટન સચિન બેબીએ ડ્રૉ માટે હાથ મિલાવ્યો હતો.
પહેલી ઇનિંગ્સમાં ૮૬ રન કરનાર વિદર્ભના સ્ટાર કરુણ નાયરે ગઈ કાલે ત્રણ રન બનાવીને ૨૯૫ બૉલમાં ૧૦ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી ૧૩૫ રને પોતાની ઇનિંગ્સ પૂરી કરી હતી, પણ ફાઇનલમાં ૧૫૩ અને ૭૩ રનની ઇનિંગ્સ રમવા બદલ વિદર્ભનો યંગ બૅટર દાનિશ માલેવર પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો.
૨૦૨૩-’૨૪ની રણજી ટ્રોફી સીઝનમાં મુંબઈ સામે ફાઇનલમાં હારનાર વિદર્ભની ટીમ ત્રીજી વાર આ ટ્રોફી જીતી છે. આ પહેલાં આ ટીમ ૨૦૧૭-’૧૮ અને ૨૦૧૮-’૧૯માં ચૅમ્પિયન બની હતી. મૅચનું પરિણામ ત્રીજા દિવસે જ નક્કી થઈ ગયું જ્યારે વિદર્ભે પ્રથમ બૅટિંગ કરતાં ૩૭૯ રન બનાવ્યા અને પછી કેરલાને ૩૪૨ રનમાં ઑલઆઉટ કરીને પ્રથમ ઇનિંગ્સમાં ૩૭ રનની પાતળી લીડ મેળવી હતી. પહેલી વાર ફાઇનલમાં પહોંચેલી કેરલાની ટીમે પણ કઠિન લડાઈ આપી હતી, પરંતુ વિદર્ભને આખી સીઝન દરમ્યાન તેમની મહેનત અને શિસ્તનું ફળ મળ્યું. લીગ તબક્કામાં ચારેય ગ્રુપમાં વિદર્ભ શ્રેષ્ઠ ટીમ હતી, એણે ૭ મૅચમાંથી ૬ જીત સાથે ૪૦ પૉઇન્ટ મેળવ્યા હતા.
69
આટલી વિકેટ આખી રણજી સીઝનમાં લેનાર વિદર્ભનો સ્પિનર હર્ષ દુબે બન્યો પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટ.
ગયા વર્ષે ફાઇનલમાં મુંબઈ સામે હાર્યા બાદ અમે ચોમાસાથી જ તૈયારી શરૂ કરી દીધી હતી
- વિદર્ભનો કૅપ્ટન અક્ષય વાડકર
મારી વિકેટને કારણે મૅચ પલટાઈ ગઈ, હું હારની જવાબદારી લઉં છું
- કેરલાનો કૅપ્ટન સચિન બેબી