30 January, 2026 11:11 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દેવદત્ત પડિક્કલ
કર્ણાટકના ૨૫ વર્ષના સ્ટાર બૅટર દેવદત્ત પડિક્કલને રણજી ટીમના કૅપ્ટનની જવાબદારી મળી છે. ભારતના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર વેન્કટેશ પ્રસાદ કર્ણાટક સ્ટેટ ક્રિકેટ અસોસિએશનનો પ્રેસિડેન્ટ બન્યો એ પછી આ મહત્ત્વનો નિર્ણય લેવાયો છે. ભૂતપૂર્વ કૅપ્ટન મયંક અગરવાલના નેતૃત્વમાં કર્ણાટક વર્તમાન સીઝનમાં ૬માંથી માત્ર બે રણજી મૅચ જીતી શક્યું છે. ૧ મૅચમાં હાર મળી છે અને ૩ ડ્રૉ રહી હતી.
વર્તમાન રણજી ટ્રોફીની અંતિમ ગ્રુપ-સ્ટેજ મૅચમાં કર્ણાટક સામે ગઈ કાલે પહેલા દિવસે પંજાબે ૯૧ ઓવરમાં ૯ વિકેટ ગુમાવીને ૩૦૩ રન કર્યા હતા. યંગ કૅપ્ટન દેવદત્ત પડિક્કલના નેતૃત્વમાં હાલમાં કર્ણાટક ટીમમાં કે. એલ. રાહુલ, મયંક અગરવાલ અને પ્રસિદ્ધ ક્રિષ્ના જેવા અનુભવી પ્લેયર્સ રમી રહ્યા છે. જાન્યુઆરી ૨૦૨૫ બાદ પહેલી વખત રાહુલ રણજી મૅચ રમી રહ્યો છે. કરુણ નાયર ઇન્જરીને લીધે અંતિમ મૅચમાંથી બહાર રહ્યો હતો. ભારતીય ટેસ્ટ અને વન-ડે કૅપ્ટન શુભમન ગિલ પંજાબ માટે રમવા ઉપલબ્ધ નહોતો.