મુંબઈના બોલર્સ પર ભારે પડ્યા વિદર્ભના બૅટર્સ

19 February, 2025 07:03 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રણજી ટ્રોફી સેમી ફાઇનલમાં પહેલા દિવસે વિદર્ભે ૮૮ ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને ફટકાર્યા ૩૦૮ રન : શિવમ દુબે અને ​​શમ્સ મુલાનીને બે-બે વિકેટ મળી, સ્ટાર આૅલરાઉન્ડર શાર્દૂલ ઠાકુર રહ્યો નિષ્ફળ

શિવમ દુબે, શમ્સ મુલાની

નાગપુરમાં ગઈ કાલે વિદર્ભ અને મુંબઈ વચ્ચે રણજી ટ્રોફી ૨૦૨૪-૨૫ની સેમી ફાઇનલ મૅચની રોમાંચક શરૂઆત થઈ હતી. પહેલા દિવસની રમતમાં ટૉસ જીતીને બૅટિંગ કરવા ઊતરેલી વિદર્ભની ટીમે ૮૮ ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને ૩૦૮ રન ફટકારી મજબૂત શરૂઆત કરી હતી.

પહેલા દિવસની રમતમાં મુંબઈના બોલર્સ પર વિદર્ભના બૅટર્સ ભારે પડ્યા હતા. વિદર્ભના મિડલ ઑર્ડર બૅટર દાનિશ માલેવરના (૧૫૭ બૉલ ૭૯ રન), ઓપનર ધ્રુવ શોરેના (૧૦૯ બૉલમાં ૭૪ રન) અને કરુણ નાયર (૭૦ બૉલમાં ૪૫ રન)ની મોટી ઇનિંગ્સની મદદથી વિદર્ભની ટીમે પહેલા દિવસે ડિફેન્ડિંગ ચૅમ્પિયન મુંબઈને જબરદસ્ત ટક્કર આપી હતી. યશ રાઠોડ (૪૭ રન) અને કૅપ્ટન અક્ષય વાડકર (૧૩ રન) આજે ઇનિંગ્સને આગળ વધારતા જોવા મળશે.

મુંબઈ તરફથી મીડિયમ ફાસ્ટ બોલર શિવમ દુબે (૩૫ રનમાં બે વિકેટ) અને સ્પિનર શમ્સ મુલાની (૪૪ રનમાં બે વિકેટ)ને સૌથી વધુ બે-બે વિકેટ મળી હતી. ફાસ્ટ બોલર શાર્દૂલ ઠાકુર અને મોહિત અવસ્થી નવા બૉલથી વિકેટ લેવામાં નિષ્ફળ રહ્યા હતા. તેમણે ૧૪-૧૪ ઓવરમાં અનુક્રમે ૫૭ અને ૬૧ રન આપ્યા હતા. સ્પિનર તનુષ કોટિયન બાવીસ ઓવરમાં એક પણ વિકેટ લીધા વગર ૭૮ રન આપીને સૌથી મોંઘો બોલર સાબિત થયો હતો.

સચિન બેબીએ ધીમી બૅટિંગ કરીને ગુજરાત સામે સંભાળી લીધી કેરલાની ઇનિંગ્સ

અમદાવાદમાં રમાઈ રહેલી અન્ય સેમી ફાઇનલ મૅચમાં કેરલાએ ગુજરાત સામે ટૉસ જીતીને બૅટિંગ પસંદ કરી હતી. પહેલા દિવસના અંતે કેરલાની ટીમે ૮૯ ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને ૨૦૬ રન બનાવ્યા હતા. ગુજરાતે ૭ બોલરોને અજમાવ્યા, પરંતુ ભારતીય સ્ટાર બોલર રવિ બિશ્નોઈ (૧/૩૩) સહિત ત્રણ બોલર્સને જ વિકેટ લેવામાં સફળતા મળી હતી. કેરલાના બૅટ્સમેનોએ ખૂબ જ ધીમી બૅટિંગ કરી અને ૮૬.૩ ઓવરમાં ૨૦૦ રન પૂરા કર્યા જેમાં ૪૭૦ ડોટ બૉલનો સમાવેશ થતો હતો. કૅપ્ટન સચિન બેબીએ ૨૮મી ફર્સ્ટ ક્લાસ હાફ-સેન્ચુરી ફટકારીને જલજ સક્સેના (૮૩ બૉલમાં ૩૦ રન) સાથે ચોથી વિકેટ માટે ૭૧ રનની પાર્ટનરશિપ કરી બાજી સંભાળી હતી. કેરલાના ૩૬ વર્ષના ડાબોડી બૅટ્સમૅન સચિન બેબી ૧૯૩ બૉલમાં ૮ ચોગ્ગાની મદદથી અણનમ ૬૯ રન કરીને વિકેટકીપર મોહમ્મદ અઝહરુદ્દીન (૬૬ બૉલમાં ૩૦ રન) સાથે પાંચમી વિકેટ માટે ૪૯ રનની પાર્ટનરશિપ કરીને રમી રહ્યો છે.

ranji trophy mumbai vidarbha mumbai ranji team shivam dube shardul thakur cricket news sports news sports