પુજારાએ રણજી ટ્રોફીમાં ફટકારી બેવડી સદી, સર ડૉન બ્રૅડમૅનના લિસ્ટમાં જોડાઈને રચ્યો ઇતિહાસ

08 January, 2024 11:05 AM IST  |  Rajkot | Gujarati Mid-day Correspondent

સૌરાષ્ટ્રની ટીમ રણજી ટ્રોફીમાં ઝારખંડ સામે મજબૂત સ્થિતિમાં, ૫૭૮ રને ઇનિંગ્સ ડિક્લેર કરી, પ્રેરક માંકડની પણ સદી

ચેતેશ્વર પુજારા

રાજકોટ : રણજી ટ્રોફી ૨૦૨૩-’૨૪માં ચેતેશ્વર પુજારાએ શાનદાર કમબૅક કર્યું છે. તેણે ઝારખંડ સામે ચાલી રહેલી મૅચમાં બેવડી સદી ફટકારી છે. સૌરાષ્ટ્ર ટીમે પહેલી ઇનિંગ્સમાં ૫૭૮ રને દાવ ડિક્લેર કર્યો હતો, જેમાં ચેતેશ્વર પુજારાએ અણનમ ૨૪૩ રન કર્યા હતા, તો તેને સુંદર સાથ પ્રેરક માંકડે આપ્યો હતો. પ્રેરક માંકડે પણ અણનમ ૧૦૪ રન કર્યા હતા.

ચેતેશ્વર પુજારાએ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ૧૭મી બેવડી સદી ફટકારી છે. ઝારખંડ સામેની મૅચમાં ત્રીજા દિવસે તેણે (અણનમ) બેવડી સદી ફટકારી છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ દિગ્ગજ સર ડૉન બ્રૅડમૅને સૌથી વધુ બેવડી સદી ફટકારી છે. તેમણે કુલ ૩૭ બેવડી સદી ફટકારી છે. ત્યાર બાદ બીજા સ્થાને ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ દિગ્ગજ વૉલી હેમન્ડ આવે છે. તેમણે ૩૬ બેવડી સદી ફટકારી છે.

ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સૌથી વધુ બેવડી સદી ફટકારનાર ક્રિકેટર્સ

૧. સર ડૉન બ્રૅડમૅન (ઑસ્ટ્રેલિયા) – ૩૭

૨. વૉલી હેમન્ડ (ઇંગ્લૅન્ડ) – ૩૬

૩. પૈટ્સી હેન્ડ્રન (ઇંગ્લૅન્ડ) – ૨૨

૪. હર્બર્ટ સટક્લિફ (ઇંગ્લૅન્ડ) – ૧૭

૫. રામપ્રકાશ (ઇંગ્લૅન્ડ) – ૧૭

૬. ચેતેશ્વર પુજારા (ભારત) – ૧૭*

ત્યાર બાદ આ લિસ્ટમાં ત્રીજા સ્થાને ઇંગ્લૅન્ડના જ પૈટ્સી હેન્ડ્રનનું નામ આવે છે. તેમણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં કુલ બાવીસ બેવડી સદી ફટકારી છે. ત્યાર બાદ ઇંગ્લૅન્ડના વધુ એક ક્રિકેટર હર્બર્ટ સટક્લિફનું નામ આવે છે. ત્યાર બાદ ઇંગ્લૅન્ડના રામપ્રકાશ અને ભારતના ચેતેશ્વર પુજારા ૧૭-૧૭ બેવડી સદી ફટકારી ચૂક્યા છે. બન્ને સંયુક્ત રીતે ચોથા ક્રમે છે.

indian cricket team sports news sports ranji trophy