31 May, 2026 08:07 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સેમ કરૅન અને કુમાર સંગાકારા
ક્વૉલિફાયર 2 મૅચ હાર્યા બાદ રાજસ્થાન રૉયલ્સના હેડ કોચ કુમાર સંગાકારાએ ઇંગ્લૅન્ડના ઑલરાઉન્ડર સેમ કરૅન વિશે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. સેમ કરૅનને સીઝન પહેલાં ૨.૪૦ કરોડ રૂપિયામાં ચેન્નઈમાંથી રાજસ્થાનમાં ટ્રેડ કરવામાં આવ્યો હતો. જોકે થાઇની ઇન્જરીને કારણે IPL 2026 માટે ભારત આવતાં પહેલાં જ તે આખી સીઝનમાંથી બહાર થઈ ગયો હતો. ક્વૉલિફાયર 2 મૅચ બાદ કુમાર સંગાકારાએ કહ્યું હતું કે ‘અમને જાણ કરવામાં આવી હતી કે સેમ કરૅનને ઇન્જરી થઈ છે એના કારણે તે આખી સીઝન માટે બહાર થઈ જશે. મેં તેને T20 બ્લાસ્ટમાં બે કે ત્રણ મૅચ રમતાં જોયો છે. એથી એ ખરેખર નિરાશાજનક હતું. અમે ઇચ્છતા હતા કે તે અહીં જ અમારા માટે રમે. ઑક્શન કે ટ્રેડ બાદ આ રીતે સીઝનમાંથી ખસી જતા ખેલાડીઓ માટે યોગ્ય કડક નીતિ હંમેશાં જરૂરી છે.’ "મને નહોતું લાગતું કે અમે પ્લેઑફ માટે ક્વૉલિફાય પણ થશું. ટીમમાં ઘણા યુવા અને ઓછા અનુભવી ખેલાડીઓ છે. અમે ઘણાં નવાં પરિવર્તનો અને સંયોજનોનો પ્રયાસ કર્યો હતો. આ સીઝન અમારી આગળની લાંબી સફર માટે એક શાનદાર શરૂઆત છે." - રાજસ્થાન રૉયલ્સનો કૅપ્ટન રિયાન પરાગ. ૨૭ વર્ષનો સેમ કરૅન વાનખેડે સ્ટેડિયમમાં પાંચ માર્ચે T20 વર્લ્ડ કપ 2026ની સેમી-ફાઇનલ મૅચમાં ભારત સામે હાર્યા બાદ હાલમાં મે મહિનામાં મેદાન પર રમતો જોવા મળ્યો હતો. તે T20 બ્લાસ્ટ ટુર્નામેન્ટમાં સરે ટીમ માટે અનુક્રમે ૨૨ મે, ૨૪ મે અને ૨૯ મેએ મૅચ રમ્યો હતો. આ ત્રણ મૅચમાં તેણે ૭૧ રનની અણનમ ઇનિંગ્સ સહિત ૧૪૧ રન બનાવ્યા હતા.