૪૦ રનના ટાર્ગેટ સામે આખી ટીમ ૩૭ રનમાં ઑલઆઉટ

19 January, 2026 02:57 PM IST  |  Islamabad | Gujarati Mid-day Correspondent

પાકિસ્તાનની ડોમેસ્ટિક ટીમે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં સૌથી ઓછા ટાર્ગેટને ડિફેન્ડ કરીને ૨૩૧ વર્ષ જૂનો વિશ્વરેકૉર્ડ તોડ્યો

પ્રતિકાત્મક ફાઇલ તસવીર

પાકિસ્તાનની ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટની પ્રેસિડન્ટ્સ ટ્રોફી ગ્રેડ-વન ટુર્નામેન્ટમાં ૨૩૧ વર્ષ જૂનો વર્લ્ડ રેકૉર્ડ તૂટ્યો હતો. પાકિસ્તાન ટેલિવિઝન (PTV)એ સુઈ નૉર્ધર્ન ગૅસ પાઇપલાઇન્સ લિમિટેડ (SNGPL) સામે ૪૦ રનના લક્ષ્યનો બચાવ કરીને ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં નવો રકૉર્ડ બનાવ્યો હતો. ૧૭૯૪માં લૉર્ડ્‌સના મેદાન પર ઓલ્ડફીલ્ડ ટીમે ૪૧ રનના ટાર્ગેટ સામે મૅરિલબૉન ક્રિકેટ ક્લબને ૩૪ રનમાં ઑલઆઉટ કર્યું હતું.
કરાચીમાં પાકિસ્તાન ટેલિવિઝને પહેલી ઇનિંગ્સમાં ૧૬૬ અને બીજી ​ઇનિંગ્સમાં ૧૧૧ રને ઑલઆઉટ થઈને ૪૦ રનનો સરળ ટાર્ગેટ આપ્યો હતો. પહેલી ઇનિંગ્સમાં ૨૩૮ રન કરનાર સુઈ નૉર્ધર્ન ગૅસ પાઇપલાઇન્સ લિમિટેડની ટીમ ૧૯.૪ ઓવરમાં ૩૭ રનના સ્કોર પર સમેટાઈ ગઈ હતી અને બે રને શરમજનક હારનો સામનો કર્યો હતો. ૪ દિવસની ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટ મૅચ ત્રીજા દિવસે રોમાંચક અંદાજમાં સમાપ્ત થઈ હતી. 

૩૭ રનમાં આૅલઆઉટ થયેલી ટીમનો કૅપ્ટન હતો પાકિસ્તાનનો ટેસ્ટ-કૅપ્ટન શાન મસૂદ

પાકિસ્તાન ટેલિવિઝન (PTV)એ સુઈ નૉર્ધર્ન ગૅસ પાઇપલાઇન્સ લિમિટેડ (SNGPL)ના ઓપનર્સને LBW અને બાકીના તમામ બૅટર્સને કૅચઆઉટ કર્યા હતા. ૩૭ રનમાં આ‌ૅલઆઉટ થયેલી ટીમ SNGPLનો કૅપ્ટન પાકિસ્તાનનો ટેસ્ટ-કૅપ્ટન શાન મસૂદ હતો. તે પોતે પાંચમા ક્રમે રમીને બે બૉલમાં ઝીરો પર કૅચઆઉટ થયો હતો. પાકિસ્તાન ટેલિવિઝનની ટીમના ફાસ્ટ બોલર અમાદ બટ્ટે ૧૦ ઓવરમાં ૨૮ રન આપીને ૪ વિકેટ અને સ્પિનર અલી ઉસ્માને ૯.૪ ઓવરમાં ૯ રન આપીને ૬ વિકેટ ઝડપી હતી. 

pakistan sports news sports cricket news islamabad