30 July, 2024 07:20 AM IST | Paris | Gujarati Mid-day Correspondent
રાહુલ દ્રવિડ
૨૦૨૮માં લૉસ ઍન્જલસમાં યોજાનારી ઑલિમ્પિક ગેમ્સમાં ક્રિકેટનો સમાવેશ કરવામાં આવ્યો છે. વર્લ્ડ કપ વિનિંગ કોચ રાહુલ દ્રવિડ આ સંદર્ભે ‘ક્રિકેટ ઇન ધી ઑલિમ્પિક્સ’ વિશે ચર્ચામાં ભાગ લેવા માટે ફ્રાન્સની રાજધાની પૅરિસમાં બનેલા ભવ્ય ઇન્ડિયા હાઉસ પહોંચ્યો હતો.
લોકો ૨૦૨૬માં યોજાનારા T20 વર્લ્ડ કપ અને ૨૦૨૭માં યોજાનારા વન-ડે વર્લ્ડ કપની સાથે ૨૦૨૮ની લૉસ ઍન્જલસ ઑલિમ્પિક ગેમ્સની પણ ચર્ચા કરી રહ્યા છે એમ જણાવતાં રાહુલે કહ્યું હતું કે ‘મેં ડ્રેસિંગરૂમમાં આના વિશે ગંભીર વાતચીત સાંભળી છે. ક્રિકેટરો પણ ગોલ્ડ મેડલ જીતવા માગે છે, પોડિયમ પર ઊભા રહેવા માગે છે અને એક મોટી સ્પોર્ટિંગ ઇવેન્ટનો ભાગ બનવા માગે છે. મને ખાતરી છે કે ક્રિકેટર્સ ઑલિમ્પિક્સને ગંભીરતાથી લેશે અને ત્યાં પહોંચવા માટે સખત મહેનત કરશે.’
ભારત T20 વર્લ્ડ કપ જીત્યા પછી હેડ કોચનું પદ છોડનાર દ્રવિડે મજાકમાં કહ્યું હતું કે ‘દુર્ભાગ્યે હું ત્યારે રમી શકીશ નહીં, પરંતુ હું ત્યાં રહેવા માટેના તમામ પ્રયત્ન કરીશ. બીજું કંઈ નહીં તો હું મીડિયાપર્સન તરીકે હાજર રહેવાનો પ્રયત્ન કરીશ.’