15 October, 2025 07:42 AM IST | Lahore | Gujarati Mid-day Correspondent
સાઉથ આફ્રિકાના સ્પિનર સેનુરન મુથુસામીએ ૧૭૪ રનમાં ૧૧ વિકેટ લઈને પોતાની ટેસ્ટ-કરીઅરનું બેસ્ટ પ્રદર્શન કર્યું.
લાહોર ટેસ્ટ-મૅચ હવે રસપ્રદ મોડ પર પહોંચી ગઈ છે, કારણ કે જીત માટે હવે સાઉથ આફ્રિકાને ૨૨૬ રન અને પાકિસ્તાનને ૮ વિકેટની જરૂર છે. પહેલા દાવમાં ૩૭૮ રન કરનાર પાકિસ્તાન બીજા દાવમાં ૪૬.૧ ઓવરમાં ૧૬૭ રને સમેટાઈ ગયું હતું. પહેલી ઇનિંગ્સમાં ૨૬૯ રન કરનાર સાઉથ આફ્રિકાને બાકીના બે દિવસની રમતમાં ૨૭૭ રનનો ટાર્ગેટ મળ્યો છે. ત્રીજા દિવસના અંતે મહેમાન ટીમે બાવીસ ઓવરમાં ૫૧ રન કરીને બે વિકેટ ગુમાવી દીધી હતી.
ત્રીજા દિવસે ૬૮મી ઓવરમાં ૨૧૬/૬ના સ્કોરથી ઇનિંગ્સને આગળ વધારનાર સાઉથ આફ્રિકાએ ૮૪મી ઓવર સુધીમાં ૪૧ રનની અંદર અંતિમ ચાર વિકેટ ગુમાવી દીધી હતી. યંગ બૅટર ટોની ડી ઝોર્ઝીએ ૧૦ ફોર અને બે સિક્સરની મદદથી ૧૭૧ બૉલમાં ૧૦૪ રન કરીને સદી નોંધાવી હતી. પાકિસ્તાનના અનુભવી સ્પિનર નોમાન અલી ૬ વિકેટ અને સાજિદ ખાન ૩ વિકેટ સાથે સૌથી સફળ રહ્યા હતા.
૧૦૯ રનની લીડ સાથે બીજા દાવમાં ઊતરેલા પાકિસ્તાનના પ્લેયર્સ સાઉથ આફ્રિકાની સ્પિન જોડીના ચક્રવ્યૂહમાં ફસાયા હતા. સેનુરન મુથુસામીએ પાંચ અને સિમૉન હાર્મરે ચાર વિકેટ ઝડપી હતી. તેમના પ્રભાવને કારણે પાકિસ્તાને પોતાની અંતિમ ૬ વિકેટ ૧૭ રનની અંદર ગુમાવી દીધી હતી. પાકિસ્તાન માટે બીજા દાવમાં ઓપનર અબદુલ્લા શફીક ૭૩ બૉલમાં ૬ સિક્સરની મદદથી ૪૧ રનની અને અનુભવી બૅટર બાબર આઝમ પાંચ ફોર સાથે ૭૨ બૉલમાં ૪૨ રનની મોટી ઇનિંગ્સ રમ્યો હતો.
બીજા દાવમાં પણ સાઉથ આફ્રિકાના પ્લેયરને નોમાન અલીએ બે વિકેટ લઈને હેરાન કર્યા હતા. કૅપ્ટન એઇડન માર્કરમે ૩ રન અને વિઆન મલ્ડરે શૂન્ય પર શરણાગતિ સ્વીકારી લીધી હતી. ઓપનર રાયન રિકલ્ટન ૭૬ બૉલમાં ૨૯ રન અને ટોની ડી ઝોર્ઝી ૪૪ બૉલમાં ૧૬ રન કરીને દિવસના અંત સુધી ટકી રહ્યા હતા.
277
આટલા રન કરીને સાઉથ આફ્રિકા લાહોરનો સૌથી મોટો અને પાકિસ્તાનની ધરતી પરનો બીજો હાઇએસ્ટ સફળ ટેસ્ટ-ટાર્ગેટ ચેઝ કરશે.