વર્લ્ડ કપ રમવા ભારત નહીં આવે પાકિસ્તાનની ટીમ?

18 June, 2023 11:43 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પીસીબીએ આઇસીસીને પત્ર લખીને જાણ કરી કે અમદાવાદ જવું કે નહીં એવો સવાલ અમને પૂછવાનો કોઈ અર્થ જ નથી, કારણ કે બધું સરકાર નક્કી કરે છે

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચૅરમૅન નજમ સેઠી

આ વર્ષે ભારતમાં યોજાનારા પચાસ ઓવરના વર્લ્ડ કપમાં પાકિસ્તાનની ટીમ ભાગ લેશે કે નહીં એ તેમની સરકારની મંજૂરી પર છે. એક અહેવાલ મુજબ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચૅરમૅન નજમ સેઠીએ આઇસીસીને પત્ર લખ્યો હતો, જેમાં જણાવ્યું હતું કે તેઓ આ ટાઇમટેબલને મંજૂરી આપી શકતા નથી, કારણ કે એ અમારી સરકારે નક્કી કરવાનું છે. જેમ ભારતમાં તેમની સરકાર નક્કી કરે છે એ પ્રમાણે તેઓ રમે છે. અમને પૂછવાનો કોઈ અર્થ નથી કે અમે અમદાવાદમાં રમીશું કે નહીં. પહેલાં એ નક્કી કરવામાં આવશે કે અમે જઈશું કે નહીં? પછી સરકાર નક્કી કરશે કે અમે ક્યાં જઈશું?’ 
નિર્ધારિત કાર્યક્રમ મુજબ પાંચમી ઑક્ટોબરથી ભારતમાં વર્લ્ડ કપ થશે, જેમાં ૧૫મી ઑક્ટોબરે અમદાવાદમાં ભારત પાકિસ્તાન સાથે રમશે. પાકિસ્તાન ટુર્નામેન્ટ પાંચ સ્થળે રમશે. આ વખતે વર્લ્ડ કપના કાર્યક્રમની જાહેરાત કરવામાં અભૂતપૂર્વ મોડું થયું છે. 
નજમ સેઠીએ કહ્યું હતું કે ‘પીસીબીને જવાબ આપવા માટે વધારે સમયની જરૂર છે. પાકિસ્તાન સરકાર અમને ક્યારે જવાબ આપશે એ વિશે કોઈ સમયમર્યાદા નક્કી કરી નથી. સુરક્ષાની સ્થિતિને ધ્યાનમાં રાખીને પણ અમારી સરકાર અમને જવા દેશે તો અમે જઈશું. અમે ક્યાં રમવાના છે એ સરકારનો નિર્ણય છે, બોર્ડનો નથી. એથી અમે એ તેમના પર છોડીએ છીએ. પીસીબી અને ભારતીય ક્રિકેટ બોર્ડ નિર્ણય લઈ શકતાં નથી.’ 
૩૧ ઑગસ્ટથી શરૂ થનારા એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન લાંબા સમય બાદ સામસામે ટકરાશે. ટુર્નામેન્ટનું આયોજન હાઇબ્રીડ મૉડલમાં કરવામાં આવશે, જેમાં ચાર મૅચ પાકિસ્તાનમાં રમાશે અને બાકીની નવ મૅચ શ્રીલંકામાં યોજાશે. 

sports news cricket news world cup pakistan