25 July, 2025 10:16 AM IST | Dhaka | Gujarati Mid-day Correspondent
ધોધમાર વરસાદ વચ્ચે ટી૨૦ સિરીઝની ટ્રોફી ઉપાડી બંગલાદેશ ક્રિકેટ ટીમના પ્લેયર્સે.
યજમાન ટીમ સામે ઢાકામાં બૅક-ટુ-બૅક મૅચ હાર્યા બાદ ત્રીજી T20માં પાકિસ્તાન ૭૪ રને મૅચ જીતીને ક્લીન સ્વીપથી બચ્યું હતું. બંગલાદેશે ત્રણ મૅચની સિરીઝમાં આ હરીફ ટીમ સામે ૨-૧થી પહેલી વાર T20 સિરીઝ પોતાને નામે કરી છે. પાકિસ્તાને સાત વિકેટ ગુમાવીને ૧૭૮ રન ફટકાર્યા હતા. જવાબમાં બંગલાદેશ ૧૬.૪ ઓવરમાં ૧૦૪ રનના સ્કોર પર આઉટ થયું હતું.
પાકિસ્તાનના ઓપનર સાહિબઝાદા ફરહાન (૪૧ બૉલમાં ૬૩ રન)ની ઇનિંગ્સના આધારે પાકિસ્તાનની ટીમ મોટો સ્કોર કરી શકી હતી. ૬ ફોર અને પાંચ સિક્સ ફટકારનાર આ ઓપનર પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો. બંગલાદેશ તરફથી ફાસ્ટ બોલર તસ્કિન અહમદ (૩૮ રનમાં ૩ વિકેટ) સૌથી સફળ રહ્યો હતો.
૧૭૯ રનના ટાર્ગેટ સામે બંગલાદેશે ૪.૨ ઓવરમાં પચીસ રનના સ્કોર પર પાંચ વિકેટ ગુમાવી હતી. ઑલરાઉન્ડર મોહમ્મદ સૈફુદ્દીન (૩૪ બૉલમાં ૩૫ રન અણનમ) અને ઓપનર મોહમ્મદ નઈમ (૧૭ બૉલમાં ૧૦ રન) ડબલ ડિજિટનો સ્કોર કરી શક્યા હતા. પાકિસ્તાની ફાસ્ટ બોલર્સ સલમાન મિર્ઝા (૧૯ રનમાં ૩ વિકેટ), ફહીમ અશરફ (૧૩ રનમાં બે વિકેટ) સાથે સ્પિનર મોહમ્મદ નવાઝ (ચાર રનમાં બે વિકેટ)એ યજમાન ટીમને ઓછા સ્કોરમાં ઑલઆઉટ કર્યું હતું.