ન્યુઝ શોર્ટમાં : ટેસ્ટ ચૅમ્પિયનશિપ દરમ્યાન વર્લ્ડ કપના કાર્યક્રમની ઘોષણા

28 May, 2023 08:26 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પાકિસ્તાનના હાઇબ્રીડ મૉડલ સાથે ભારત સહમત નહીં અને વધુ સમાચાર

મિડ-ડે લોગો

ટેસ્ટ ચૅમ્પિયનશિપ દરમ્યાન વર્લ્ડ કપના કાર્યક્રમની ઘોષણા

ભારતમાં રમાનાર ૫૦ ઓવરના વર્લ્ડ કપ માટેનાં કાર્યક્રમ અને સ્થળની ઘોષણા લંડનમાં રમાનાર વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ દરમ્યાનમાં થશે. ભારતીય ક્રિકેટ બોર્ડની સ્પેશ્યલ જનરલ મીટિંગ (એસજીએમ) બાદ સેક્રેટરી જય શાહે આ વાતની ઘોષણા કરી હતી. વળી ઘણા સમયથી વિવાદાસ્પદ રહેલા એશિયા કપ ૨૦૨૩નો નિર્ણય પણ એશિયન ક્રિકેટ કાઉન્સિલના સભ્યોની આઇપીએલ ફાઇનલ બાદ મળનારી બેઠક બાદ લેવાશે. 

 

પાકિસ્તાનના હાઇબ્રીડ મૉડલ સાથે ભારત સહમત નહીં

ભારતીય ક્રિકેટ બોર્ડ એશિયા કપને પાકિસ્તાનને બદલે અન્ય કોઈ સ્થળે કરાવવા માગે છે. રવિવારે આઇપીએલની ફાઇનલ દરમ્યાન એશિયા કપના અધિકારીઓની એક અનૌપચારિક બેઠક પણ યોજાવાની છે. એશિયન ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ અને ભારતીય ક્રિકેટ બોર્ડના સેક્રેટરી જય શાહે કહ્યું હતું કે બંગલા દેશ, અફઘાનિસ્તાન અને શ્રીલંકા ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ સાથે એશિયા કપ ૨૦૨૩ની રૂપરેખા મામલે ચર્ચા થશે. દરમ્યાન પાકિસ્તાનનાં કેટલાંક મીડિયાએ કહ્યું હતું કે ભારતીય ક્રિકેટ બોર્ડ મૅચોના આયોજન માટે હાઇબ્રીડ મૉડલ માટે સહમત થઈ ગયું છે. ​ભારતીય ક્રિકેટ બોર્ડે આ દાવાને નકારી કાઢ્યો હતો. 

 

પ્રણોય ફાઇનલમાં, સિંધુ આઉટ

ક્વાલા લમ્પુરની મલેશિયા માસ્ટર્સ બૅડમિન્ટન ટુર્નામેન્ટની સેમી ફાઇનલમાં એસએસ પ્રણોયે ગઈ કાલે ઘૂંટણની ઈજાને કારણે ઇન્ડોનેશિયાના ક્રિસ્ટિયન અદિન્તાએ અધવચ્ચે મૅચ છોડી દેતાં ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. પ્રણોય પહેલી ગેમમાં ૧૯-૧૭થી આગળ હતો ત્યારે અદિન્તાએ બૅલૅન્સ ગુમાવતાં તેના ડાબા ઘૂટણમાં ઈજા થઈ હતી. અન્ય એક સેમી ફાઇનલમાં ગ્રેગરિયા મરિશકા તુનજુંગ સામે ભારતની બે વખત ઑલિમ્પિક મેડલ વિજતા પી. વી. સિંધુ ૨૧-૧૪, ૨૧-૧૭થી હારી ગઈ હતી. ઇન્ડોનેશિયાના ખેલાડી સામે સિંધુની આ સતત બીજી હાર છે. 

sports sports news cricket news