17 October, 2025 01:01 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ વિમેન્સ વન-ડે વર્લ્ડ કપ 2025માં બનેલા વ્યુઅરશિપના રસપ્રદ આંકડા શૅર કર્યા છે. આ આંકડા અનુસાર પાંચમી ઑક્ટોબરે કોલંબોમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી મૅચે ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં નવો રેકૉર્ડ બનાવ્યો છે. ૨૮.૪ મિલ્યન વ્યુઅર અને ૧.૮૭ બિલ્યન મિનિટના રેકૉર્ડ સાથે એ મૅચ સૌથી વધુ જોવાયેલી વિમેન્સ ઇન્ટરનૅશનલ ક્રિકેટ મૅચ બની ગઈ છે. ટુર્નામેન્ટની પહેલી ૧૩ મૅચ ૬૦ મિલ્યન પ્લસ વ્યુઅર્સે જોઈ હતી જે આ પહેલાંના વિમેન્સ વન-ડે વર્લ્ડ કપના આંકડા કરતાં પાંચગણો વધારો દર્શાવે છે. ટુર્નામેન્ટ દરમ્યાન ૭ બિલ્યન વૉચ-ટાઇમ નોંધવામાં આવ્યો છે જે પહેલાં કરતાં બાર ગણો વધ્યો છે.
લાહોરમાં આયોજિત પાકિસ્તાન અને સાઉથ આફ્રિકાની ટેસ્ટ-મૅચના અંતિમ દિવસનો એક વિડિયો સોશ્યલ મીડિયા પર ભારે વાઇરલ થયો છે. ગદાફી સ્ટેડિયમમાં ચોથા દિવસની રમત દરમ્યાન એક ચાહક દીવાલ ચડીને પાકિસ્તાન ક્રિકેટ ટીમના પહેલા માળે આવેલા ડ્રેસિંગ-રૂમમાં પહોંચી ગયો હતો. જોકે કોચિંગ સ્ટાફના લોકોએ તેને ડ્રેસિંગ-રૂમની અંદર જતાં રોક્યો હતો અને સિક્યૉરિટીને બોલાવી તેને પકડાવ્યો હતો. સુરક્ષા અધિકારીઓ સમયસર તેને ડ્રેસિંગ-રૂમથી દૂર લઈ ગયા હતા. અહેવાલ અનુસાર બુધવારે બાબર આઝમની ૩૧મી વર્ષગાંઠ હતી અને તે યંગ ચાહક ડ્રેસિંગ-રૂમમાં તેને મળવા માગતો હતો. વિડિયો વાઇરલ થતાં પાકિસ્તાનમાં ક્રિકેટર્સની સુરક્ષા-વ્યવસ્થા અંગે મોટા સવાલો ઊભા થયા છે.
ન્યુ ઝીલૅન્ડનો ૩૫ વર્ષનો સ્ટાર પ્લેયર કેન વિલિયમન IPL 2026ના મિની ઑક્શન પહેલાં લખનઉ સુપર જાયન્ટ્સમાં જોડાયો છે. રમતનાં ત્રણેય ફૉર્મેટનો આ સક્રિય ક્રિકેટર પ્લેયર તરીકે નહીં પણ વ્યૂહાત્મક સલાહકાર તરીકે ટીમમાં જોડાયો છે. સાઉથ આફ્રિકાની SA20 લીગની છેલ્લી સીઝનમાં તે આ ફ્રૅન્ચાઇઝીની ડર્બન સુપર જાયન્ટ્સ ટીમ માટે રમ્યો હતો. તેણે ૮ મૅચમાં ૨૩૩ રન ફટકાર્યા હતા. ૨૦૧૫થી ૨૦૨૪ સુધી કેન વિલિયમસન સનરાઇઝર્સ હૈદરાબાદ અને ગુજરાત ટાઇટન્સ માટે રમીને ૭૯ મૅચમાં ૧૮ ફિફટીના આધારે ૨૧૨૮ રન કરી ચૂક્યો છે. IPL 2025ના મેગા ઑક્શનમાં અનસોલ્ડ રહ્યા બાદ તે ગઈ સીઝનમાં કૉમેન્ટરી બૉક્સમાં કૉમેન્ટરી કરતો જોવા મળ્યો હતો. કેન વિલિયમસન ૨૬ ઑક્ટોબરે ઇંગ્લૅન્ડ સામેની વન-ડે સિરીઝથી ૨૦૦થી વધુ દિવસ બાદ ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં વાપસી કરશે.
ભારતના વિકેટકીપર-બૅટર કે. એલ. રાહુલની નવી કારનો વિડિયો હાલમાં સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. તેણે ૭ સીટ ધરાવતી ઑલમોસ્ટ ૭૦ લાખ રૂપિયાની MG-M9 લક્ઝરી કાર ખરીદી છે. રાહુલને કારની ડિલિવરી તેના ઘરે મળી હતી. આ બ્લૅક કારની તમામ રસપ્રદ માહિતી તેણે કંપનીના અધિકારીઓ પાસેથી મેળવી હતી.
હૈદરાબાદનો બાવીસ વર્ષનો બૅટર તિલક વર્મા મેન્સ T20 એશિયા કપ 2025ની ફાઇનલમાં મૅચ વિનિંગ ઇનિંગ્સ રમ્યો હતો. તેની આ કમાલ બદલ ગઈ કાલે તેલુગુ ફિલ્મના મેગાસ્ટાર ચિરંજીવીએ પોતાની આગામી ફિલ્મના સેટ પર તેનું સન્માન કર્યું હતું. સ્ટાર ઍક્ટ્રેસ નયનતારા સહિત ફિલ્મના અન્ય કલાકારોએ પણ એ સમયે હાજરી આપી હતી.