News in Shorts: મિસબાહ-આફ્રિદીએ એશિયાને ‘ટી૧૦’માં વર્લ્ડ સામે જિતાડ્યું

15 March, 2023 02:22 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વર્લ્ડની ટીમના ગેઇલ, કૉલિંગવુડ, રિકાર્ડો પૉવેલે એક-એક વિકેટ લીધી હતી

શાહિદ આફ્રિદી

મિસબાહ-આફ્રિદીએ એશિયાને ‘ટી૧૦’માં વર્લ્ડ સામે જિતાડ્યું

કતારના દોહામાં સોમવારે લેજન્ડ્સ લીગ ક્રિકેટ માસ્ટર્સમાં એશિયા લાયન્સે વર્લ્ડ જાયન્ટ્સને ૩૫ રનથી પરાજિત કરીને સતત બીજો વિજય નોંધાવ્યો હતો. શુક્રવારે ગૌતમ ગંભીરની ઇન્ડિયા મહારાજાઝ સામે ૯ રનથી જીતનાર એશિયા લાયન્સે સોમવારે વરસાદને કારણે ૨૦-૨૦ને બદલે ૧૦-૧૦ ઓવરની થયેલી મૅચમાં બૅટિંગ મળ્યા પછી મિસબાહ-ઉલ-હક (૪૪ અણનમ, ૧૯ બૉલ, ત્રણ સિક્સર, ચાર ફોર) અને તિલકરત્ને દિલશાન (૩૨ અણનમ, ૨૪ બૉલ, એક સિક્સર, ત્રણ ફોર)ની ફટકાબાજીની મદદથી ૧૦ ઓવરમાં ૩ વિકેટે ૯૯ રન બનાવ્યા હતા. વર્લ્ડની ટીમના ગેઇલ, કૉલિંગવુડ, રિકાર્ડો પૉવેલે એક-એક વિકેટ લીધી હતી. વર્લ્ડની ટીમમાં ગેઇલ, વૉટ્સન, કૅપ્ટન ફિન્ચ, રૉસ ટેલર અને કેવિન ઓબ્રાયન જેવા ખ્યાતનામ બૅટર્સ હોવા છતાં એ ટીમ જવાબમાં ૧૦ ઓવરમાં પાંચ વિકેટે ૬૪ રન બનાવી શકી હતી. શાહિદ આફ્રિદી અને અબ્દુર રઝાકે બે-બે વિકેટ તથા સોહેલ તનવીરે એક વિકેટ લીધી હતી. મિસબાહને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ અપાયો હતો. ગંભીરની ઇન્ડિયા મહારાજાઝ ટીમ પહેલી બન્ને મૅચ હારી ગઈ હતી.

ઇન્દોરના ‘પુઅર’ રેટિંગ સામે બીસીસીઆઈની અપીલ

ભારત સામે ઑસ્ટ્રેલિયાએ જીતેલી ત્રીજી ટેસ્ટ-મૅચના સ્થળ ઇન્દોરની પિચને મૅચ-રેફરી ક્રિસ બ્રૉડે જે ‘પુઅર’ રેટિંગ આપ્યું છે એની સામે બીસીસીઆઇએ સત્તાવાર અપીલ કરી છે. હવે આઇસીસીની કમિટી સમીક્ષા બાદ ૧૪ દિવસમાં ફેંસલો આપશે. મૅચ ત્રીજા દિવસે પહેલા સેશનમાં પૂરી થઈ ગઈ હતી. પહેલા બે દિવસમાં કુલ ૩૦ વિકેટ પડી હતી. ૩૧માંથી ૨૬ વિકેટ સ્પિનર્સે લીધી હતી. ક્રિસ બ્રૉડે પિચને ખૂબ સૂકી ગણાવવા ઉપરાંત એના પર બૅટ અને બૉલ વચ્ચે કોઈ સમતુલા નહોતી જળવાતી હોવાનું રિપોર્ટમાં જણાવ્યું હતું.

હૉકીમાં ભારતે વર્લ્ડ ચૅમ્પિયન જર્મનીને પાછું હરાવી દીધું

રુરકેલામાં ચાલતી પુરુષ હૉકી ખેલાડીઓની એફઆઇએચ પ્રો લીગ ટુર્નામેન્ટમાં ભારતે સોમવારે વર્લ્ડ ચૅમ્પિયન જર્મનીને સતત બીજી વાર હરાવ્યું હતું. ભારતીય ટીમ એક ગોલથી પાછળ હતી, પણ લાગલગાટ ચાર ગોલ કરીને સરસાઈ મેળવી લીધી હતી અને છેવટે જર્મનીને ૬-૩થી પરાજય ચખાડ્યો હતો. ટુર્નામેન્ટમાં ભારતની આ સતત ત્રીજી જીત હતી. હકીકતમાં જર્મની સામે ભારત પાંચ વર્ષથી નથી હાર્યું. છેલ્લે ૨૦૧૭માં ભુવનેશ્વરમાં ભારતની જર્મની સામે હાર થઈ હતી. સોમવારની જર્મની સામેની મૅચમાં ભારત વતી અભિષેક (બે ગોલ), કાર્તિ (બે ગોલ), જુગરાજ સિંહ અને હરમનપ્રીત સિંહે ગોલ કર્યા હતા.

 

sports news sports indian cricket team cricket news test cricket shahid afridi hockey board of control for cricket in india