News In Shorts : ટેસ્ટ ન રમવા છતાં બેસ્ટઃ ભારતે ઑસ્ટ્રેલિયાને ઓવરટેક કર્યું

03 May, 2023 09:41 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ભારતના પૉઇન્ટ ૧૧૯થી વધીને ૧૨૧ થયા છે

ફાઇલ તસવીર

ટેસ્ટ ન રમવા છતાં બેસ્ટઃ ભારતે ઑસ્ટ્રેલિયાને ઓવરટેક કર્યું

જૂનમાં લંડનમાં ઑસ્ટ્રેલિયા સામેની ટેસ્ટના વર્લ્ડ કપની ફાઇનલના એક મહિના પહેલાં જ ભારતે ટેસ્ટના આઇસીસી રૅન્કિંગ્સમાં ઑસ્ટ્રેલિયા પાસેથી નંબર-વનનો રૅન્ક આંચકી લીધો છે. બેમાંથી એકેય ટીમ છેલ્લા બે મહિનામાં એક પણ ટેસ્ટ ન રમી હોવા છતાં રૅન્કિંગ્સમાં આ મોટો ફેરફાર થયો છે. ભારતના પૉઇન્ટ ૧૧૯થી વધીને ૧૨૧ થયા છે, જ્યારે ઑસ્ટ્રેલિયાના ૧૨૨થી ઘટીને ૧૧૬ થયા છે. 

શ્રીશંકર લૉન્ગ જમ્પમાં ગોલ્ડ જીત્યા છતાં વિશ્વસ્પર્ધાથી વંચિત

ભારતનો ૨૪ વર્ષનો લૉન્ગ જમ્પર મુરલી શ્રીશંકર રવિવારે અમેરિકામાં એમવીએ હાઈ પર્ફોર્મન્સ-૧ ઍથ્લેટિક્સ મીટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેનો ૮.૨૯ મીટર લાંબો કૂદકો તમામ સ્પર્ધકોમાં બેસ્ટ હતો. તેના ગોલ્ડ સામે ચીનના બે સ્પર્ધક રજત તથા કાંસ્યચંદ્રક જીત્યા હતા. જોકે શ્રીશંકર સુવર્ણ જીત્યો હોવા છતાં વિશ્વસ્પર્ધા માટેનું ક્વૉલિફિકેશન નહોતો મેળવી શક્યો. એનું કારણ એ હતું કે તેના ગોલ્ડ વિનર લૉન્ગ જમ્પ વખતે ટેઇલવિન્ડ્સનો એટલે કે તેની પાછળથી આવતા પવનનો વેગ સેકન્ડદીઠ +૩.૧ મીટર નોંધાયો હતો. સામાન્ય રીતે ટેઇલવિન્ડ્સનો વેગ સેકન્ડદીઠ +૨.૦થી વધુ મીટર રેકૉર્ડ થયું હોય તો એ રનરનો પર્ફોર્મન્સ પછીની મોટી સ્પર્ધામાં ક્વૉલિફાય થવા માટે સત્તાવાર નથી ગણાતો. 

યુરોપમાં વિમેન્સ વર્લ્ડ કપના બ્લૅકઆઉટની ધમકી

યુરોપમાં ફુટબૉલની સ્પર્ધાઓ ટીવી પર પ્રસારિત કરવામાં બ્રૉડકાસ્ટર્સ મેન્સ વર્લ્ડ કપની તુલનામાં આ વર્ષના જુલાઈ મહિનાના વિમેન્સ વર્લ્ડ કપ માટે માંડ ૧ ટકો રકમ ઑફર કરી રહ્યા હોવાનું જણાતાં ફિફાના પ્રમુખ જિયાની ઇન્ફેન્ટિનોએ ધમકી આપી છે કે ‘જો પ્રસારણકર્તાઓ ભેદભાવ રાખીને મહિલા વિશ્વકપના પ્રસારણના હક ખરીદવા માટે વધુ પૈસા ઑફર નહીં કરે તો યુરોપમાં આ સ્પર્ધાના રાઇટ્સ અમે વેચીશું જ નહીં એટલે યુરોપના દેશો ખાસ કરીને ઇંગ્લૅન્ડ, ફ્રાન્સ, જર્મની, ઇટલી, સ્પેનમાં વિમેન્સ વર્લ્ડ કપની મૅચોને અમે બ્લૅકઆઉટ કરી દઈશું.’

sports news sports cricket news indian cricket team test cricket