31 October, 2023 11:55 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ફૅન પર્સી અબેસેકરા
શ્રીલંકાના ૮૭ વર્ષના જાણીતા ક્રિકેટપ્રેમી તેમ જ ધોની, વિરાટ અને ખાસ કરીને રોહિતના ફેવરિટ ફૅન પર્સી અબેસેકરાનું અવસાન થયું છે. તેઓ ‘અંકલ’ પર્સી તરીકે જાણીતા હતા. એક વર્ષથી તેમની તબિયત સારી નહોતી. તેઓ શ્રીલંકાની મોટા ભાગની મૅચોમાં શ્રીલંકન ફ્લૅગ સાથે જોવા મળતા હતા. ખાસ કરીને રોહિત તેમનો ફૅન હતો. તાજેતરમાં કોલંબોમાં એશિયા કપ વખતે રોહિત ખાસ તેમને મળવા તેમના ઘરે ગયો હતો.
ઑસ્ટ્રેલિયાના ટોચના સ્પિનર નૅથન લાયનનું એવું માનવું છે કે ૧૯ નવેમ્બરે અમદાવાદની ફાઇનલ પાંચ વખત ચૅમ્પિયન બનેલા ઑસ્ટ્રેલિયા અને ૧૯૮૩ તથા ૨૦૧૧ના વિજેતા તથા યજમાન ભારતની ટીમ વચ્ચે રમાશે. લાયનના માનવા મુજબ બન્ને ટીમે છેલ્લા એક અઠવાડિયામાં ગજબની સફળતા મેળવી છે. ઑસ્ટ્રેલિયાએ ન્યુ ઝીલૅન્ડ સામે પાંચ રનથી અને ભારતે ઇંગ્લૅન્ડ સામે ૧૦૦ રનથી વિજય મેળવ્યો હતો. લાયને કહ્યું હતું કે ‘મારા માટે ભારત નંબર-વન ફેવરિટ છે. એની મૅચો જોવાની ખૂબ મજા પડે છે. જોકે સાઉથ આફ્રિકા પણ ડેન્જરસ ટીમ છે.’
ભારતની મેન્સ હૉકી ટીમ જોહોર બાહરુમાં સુલતાન ઑફ જોહોર કપમાં ન્યુ ઝીલૅન્ડને ૬-૨થી આંચકો આપીને સેમી ફાઇનલમાં પહોંચી ગઈ છે. લાકરાએ ત્રણ તેમ જ અરુણ સાહનીએ બે ગોલ કર્યા હતા. ભારતને ટાઇટલ ડિફેન્ડ કરવાનો સારો મોકો છે.
કૉમનવેલ્થ ગેમ્સ ગોલ્ડ મેડલિસ્ટ શૂટર અનીશ ભાનવાલા ગઈ કાલે સાઉથ કોરિયાની એશિયન ચૅમ્પિયનશિપ્સમાં પચીસ મીટર રૅપિડ પિસ્તોલ ફાયર ઇવેન્ટમાં ત્રીજા સ્થાને આવીને કાંસ્યચંદ્રક જીત્યો હતો. એ સાથે, ભારતને શૂટિંગમાં ૧૨મો ઑલિમ્પિક ક્વોટા મળ્યો છે. ૨૦૨૪માં પૅરિસમાં ઑલિમ્પિક ગેમ્સ યોજાવાની છે. ફાઇનલ્સમાં અનીશના ૨૮ હિટ્સ હતા, પરંતુ તે જપાન સામે હારી જતાં ત્રીજા સ્થાને રહ્યો હતો. જપાનનો દાઇ યોશિયોકા સિલ્વર અને કોરિયાનો લી ગુન્યૉક ગોલ્ડ જીત્યો હતો.
મેક્સિકોમાં મૅક્સ વર્સ્ટેપ્પન રવિવારે સીઝનની વિક્રમજનક ૧૬મી F1 ગ્રાં પ્રિ જીત્યો હતો. તેણે ૧,૫૨,૬૬૮ ફૅન્સની હાજરીમાં લુઇસ હૅમિલ્ટનને પાછળ રાખીને અવ્વલ નંબરે રેસ ફિનિશ કરી હતી. મેક્સિકોમાં વર્સ્ટેપ્પનની આ પાંચમી જીત હતી, જે ઑલ-ટાઇમ રેકૉર્ડ છે. હવે નવેમ્બરમાં બ્રાઝિલમાં ગ્રાં પ્રિ યોજાશે.
ફ્રાન્સમાં લાયન ક્લબની ફુટબૉલ ટીમની બસ પર તેમ જ એના ચાહકો પર હુમલો થતાં કોઈ ખેલાડીને ઈજા નહોતી થઈ, પરંતુ કોચ ફૅબિયો ગ્રોસોને માથામાં ઈજા થઈ હતી, જેને પગલે માર્સેઇલ ખાતેની મૅચ મોકૂફ રાખવામાં આવી હતી. ફ્રેન્ચ પોલીસે આ બનાવમાં ૯ જણને અટકમાં લીધા હતા અને અન્ય શકમંદોની તપાસ થઈ રહી છે.
વિમેન્સ ફુટબૉલ વર્લ્ડ કપમાં ચૅમ્પિયન બનેલી સ્પેનની ટીમની ખેલાડી જેની હર્મોસોને સ્ટેજ પર જબરદસ્તીથી લિપ-કિસ કરવા બદલ અને બીજા અભદ્ર વર્તન બદલ સ્પૅનિશ સૉકર ફેડરેશનના હાંકી કાઢવામાં આવેલા પ્રમુખ લુઇસ રુબિયાલ્સ પર ફિફાએ ત્રણ વર્ષનો પ્રબિંધ મૂક્યો છે. લુઇસ ૩૬ મહિના સુધી ફિફા સાથે સંકળાયેલી ફુટબૉલને લગતી કોઈ પણ પ્રવૃત્તિમાં ભાગ નહીં લઈ શકે.
મહિલા ટેનિસની ભૂતપૂર્વ વર્લ્ડ નંબર-વન અને સિંગલ્સનાં પાંચ ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ જીતનાર સ્વિટ્ઝરલૅન્ડની માર્ટિના હિન્ગિસ મીડિયા પર્સન બની ગઈ છે. તે શનિવારે ઘરઆંગણે પૂરી થયેલી સ્વિસ ઇન્ડોર્સ સ્પર્ધામાં હાથમાં માઇક લઈને તક મળી ત્યારે ખેલાડીઓના ઇન્ટરવ્યુ લેતી જોવા મળી હતી. હિન્ગિસ છેલ્લે ૨૦૧૭માં મોટી ટુર્નામેન્ટમાં રમી હતી. તેણે ૩૭ વર્ષની ઉંમરે નિવૃત્તિ લીધી હતી.