News In Shorts : એશિયા કપ પાકિસ્તાન પાસેથી છીનવીને શ્રીલંકામાં યોજાશે?

10 May, 2023 11:27 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

બીસીસીઆઇના સેક્રેટરી જય શાહે ગયા વર્ષે જ સ્પષ્ટ કહી દીધું હતું કે ભારતીય ટીમને એશિયા કપ રમવા પાકિસ્તાન નહીં મોકલવામાં આવે.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

એશિયા કપ પાકિસ્તાન પાસેથી છીનવીને શ્રીલંકામાં યોજાશે?

એશિયન ક્રિકેટ કાઉન્સિલ આગામી સપ્ટેમ્બરના એશિયા કપનું યજમાનપદ પાકિસ્તાન પાસેથી લઈને શ્રીલંકાને સોંપશે એવી સંભાવના છે. બીસીસીઆઇના સેક્રેટરી જય શાહે ગયા વર્ષે જ સ્પષ્ટ કહી દીધું હતું કે ભારતીય ટીમને એશિયા કપ રમવા પાકિસ્તાન નહીં મોકલવામાં આવે. આવું કહીને તેમણે આ સ્પર્ધા કોઈ તટસ્થ દેશમાં રાખવાની માગણી કરી હતી.

ફખર ઝમાન અને થાઇલૅન્ડની કૅપ્ટનને આઇસીસીનો પુરસ્કાર

એપ્રિલ માટેનો આઇસીસી પ્લેયર ઑફ ધ મન્થ પુરસ્કાર પુરુષોમાં પાકિસ્તાનના ઓપનર ફખર ઝમાને અને મહિલાઓમાં થાઇલૅન્ડની કૅપ્ટન નારેમૉલ શાઇવાઇને આપવામાં આવ્યો છે. ફખરે વન-ડે અને ટી૨૦, બન્નેમાં અસાધારણ પર્ફોર્મ કર્યું હતું, જ્યારે થાઇલૅન્ડની શાઇવાઇનું ઝિમ્બાબ્વેને વન-ડે સિરીઝમાં ૩-૦થી ઐતિહાસિક પરાજય ચખાડવામાં સૌથી મોટું યોગદાન હતું.

રનર શેલી-ઍન પહેલી વાર જીતી લૉરિયસ અવૉર્ડ

જમૈકાની સર્વોચ્ચ મહિલા રનર અને ત્રણ ઑલિમ્પિક્સ ગોલ્ડ મેડલ જીતેલી અને ૧૦ વખત ૧૦૦ મીટર અને ૨૦૦ મીટર સહિતની હરીફાઈઓમાં વર્લ્ડ ચૅમ્પિયન બનેલી ૩૬ વર્ષની શેલી-ઍન ફ્રેઝર-પ્રાઇસ પહેલી વાર લૉરિયસ સ્પોર્ટ્સવુમન ઑફ ધ યર અવૉર્ડ જીતી છે. અગાઉ પાંચ વખત તેનું નામ નૉમિનેટ થયું હતું, પણ તેને આ પ્રતિષ્ઠિત પુરસ્કાર નહોતો અપાયો, પરંતુ આ વખતે તેની સિદ્ધિઓની છેવટે ખરી કદર થઈ છે.

sports news sports indian cricket team cricket news asia cup pakistan sri lanka