07 October, 2025 09:17 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
એબી ડિવિલિયર્સ
સાઉથ આફ્રિકાનો ભૂતપૂર્વ કૅપ્ટન એબી ડિવિલિયર્સ મેદાન પર ચારેય તરફ શાનદાર શૉટ ફટકારવા બદલ મિસ્ટર 360 ડિગ્રી તરીકે જાણીતો થયો હતો. ગઈ કાલે તેણે આ જ નામથી પ્રેરિત થઈને પોતાની 360 બૅટ્સ નામની બૅટની બ્રૅન્ડ લૉન્ચ કરી છે. ૪૧ વર્ષના ડિવિલિયર્સે સોશ્યલ મીડિયા પર જાહેરાત કરતાં કહ્યું કે આ બૅટ સૌથી પહેલાં સાઉથ આફ્રિકા અને ભારતના સ્ટોર્સમાં ઉપલબ્ધ રહેશે.
વિમેન્સ વર્લ્ડ કપની ગઈ કાલે ઇન્દોરમાં રમાયેલી મૅચમાં ન્યુ ઝીલૅન્ડને ૬ વિકેટે હરાવીને સાઉથ આફિક્ન ટીમે શાનદાર કમબૅક કર્યું હતું. ન્યુ ઝીલૅન્ડ ટીમે આપેલો ૨૩૨ રનનો ટાર્ગેટ આફ્રિકન ટીમે ઓપનર તેઝમીન બ્રિટ્સની સેન્ચુરીના જોરે ૪૦.૫ ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને મેળવી લીધો હતો. સાઉથ આફિક્ન ટીમ તેની પ્રથમ મૅચમાં ઇંગ્લૅન્ડ સામે માત્ર ૬૯ રનમાં ઑલઆઉટ થઈને ૧૦ વિકેટે ભૂંડી રીતે હાર જોવી પડી હતી. ભૂતપૂર્વ ચૅમ્પિયન ન્યુ ઝીલૅન્ડની ટીમને સતત બીજી મૅચમાં પરાજય જોવો પડ્યો છે.
શારજાહમાં આયોજિત ત્રણ મૅચની T20 સિરીઝમાં બંગલાદેશે ૩-૦થી અફઘાનિસ્તાન સામે ક્લીન સ્વીપ કરી છે. રવિવારે મોડી રાતે અફઘાનિસ્તાને નવ વિકેટ ગુમાવી માંડ-માંડ ૧૪૪ રનનો ટાર્ગેટ આપ્યો હતો. બંગલાદેશે યંગ બૅટર સૈફ હસનની ૬૪ રનની ઇનિંગ્સથી ૧૮ ઓવરમાં ચાર વિકેટે ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો.
લંકા પ્રીમિયર લીગના આયોજકોએ સોમવારે જાહેરાત કરી હતી કે ભારતીય ક્રિકેટર્સ પહેલી વખત આ ટુર્નામેન્ટમાં ભાગ લેશે. આગામી એક ડિસેમ્બરથી શ્રીલંકાની આ T20 લીગની છઠ્ઠી સીઝન શરૂ થશે. પાંચ ટીમો વચ્ચે ત્રણ સ્ટેડિયમમાં ૨૪ મૅચ રમાશે. આયોજકોએ કહ્યું કે ‘પ્રથમ વખત ભારતીય ક્રિકેટરો ટુર્નામેન્ટમાં ભાગ લે એવી અપેક્ષા છે. તેમનાં નામ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે જેનાથી સમગ્ર શ્રીલંકાના ફૅન્સમાં ઉત્સાહનું એક નવું સ્તર ઉમેરાશે. આ લીગ નવાં રોમાંચક નામો બહાર પાડશે જે ક્રિકેટ-જગતને આશ્ચર્યચકિત કરી શકે છે.’