14 October, 2022 12:39 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
શાહીન શાહ આફ્રિદી
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચૅરમૅન રમીઝ રાજાએ કહ્યું હતું કે ‘ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદી આગામી ટી૨૦ વર્લ્ડ કપ માટે ૯૦ ટકા રેડી છે, પરંતુ તે રમશે કે નહીં એનો નિર્ણય ઑસ્ટ્રેલિયામાં રમાનારી બે વૉર્મ-અપ મૅચ બાદ લેવામાં આવશે.’ ૨૨ વર્ષનો બોલર શનિવારે ઘૂંટણમાં થયેલી ઈજાની સારવાર બાદ ટીમ સાથે જોડાશે. પાકિસ્તાનની ટીમ ૧૭ અને ૧૯ ઑક્ટોબરે અનુક્રમે ઇંગ્લૅન્ડ અને અફઘાનિસ્તાન સામે રમશે. રાજાએ કહ્યું હતું કે ઘૂંટણની ઈજા એવી છે કે તમારે ઘણું ધ્યાન રાખવું પડે. પાકિસ્તાનની ટીમ ૨૩ ઑક્ટોબરે ભારત સામે પહેલી મૅચ રમશે.
ઑસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ ડેવિડ વૉર્નર પર આચારસંહિતાના ઉલ્લંઘન બદલ કૅપ્ટન્સી પર આજીવન પ્રતિબંધને હટાવી શકે છે. આજે હોબાર્ટમાં મળનારી બેઠકમાં આ વિશેનો નિર્ણય લેવામાં આવશે. કૅપ ટાઉનમાં ૨૦૧૮માં રમાયેલી મૅચ દરમ્યાન બૉલ સાથે ચેડાં કરવા બદલ સ્ટીવ સ્મિથ અને કૅમરોન બૅનક્રોફ્ટ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. વૉર્નર ૧૦૦ કરતાં વધુ ઇન્ટરનૅશનલ ટી૨૦ રમી ચૂક્યો છે. ઉપરાંત તેણે ૨૦૧૬માં આઇપીએલમાં કૅપ્ટન તરીકે હૈદરાબાદની ટીમને ચૅમ્પિયન બનાવી હતી.