News In Short: મુશફિકુર રહીમ ટી૨૦ ક્રિકેટમાંથી રિટાયર થયો

05 September, 2022 12:27 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

તે ટેસ્ટ અને વન-ડેમાં કરીઅર લંબાવવા માગતો હોવાથી હવે ટી૨૦ નહીં રમે

મુશફિકુર રહીમ

મુશફિકુર રહીમ ટી૨૦ ક્રિકેટમાંથી રિટાયર થયો

બંગલાદેશનો કુલ ૪૨૦ ઇન્ટરનૅશનલ મૅચનો અનુભવી વિકેટકીપર-બૅટર મુશફિકુર રહીમ હવે ટી૨૦ ક્રિકેટ નહીં રમે. તેણે આ શૉર્ટેસ્ટ ફૉર્મેટમાંથી ગઈ કાલે નિવૃત્તિ જાહેર કરી હતી. તે ટેસ્ટ અને વન-ડેમાં કરીઅર લંબાવવા માગતો હોવાથી હવે ટી૨૦ નહીં રમે. જોકે તે કોઈ ટી૨૦ લીગમાં રમવાનો મોકો મળશે તો રમશે. તેણે ૧૦૨ ટી૨૦ ઇન્ટરનૅશનલમાં ૧૫૦૦ રન બનાવ્યા છે અને વિકેટની પાછળ ૪૨ કૅચ પકડવા ઉપરાંત ૩૦ બૅટર્સને સ્ટમ્પિંગમાં આઉટ પણ કર્યા છે.

ઈજાગ્રસ્ત બેરસ્ટૉ આવતી કાલે સ્પેશ્યલિસ્ટને મળશે

ઇંગ્લૅન્ડના મિડલ-ઑર્ડર બૅટર જૉની બેરસ્ટૉને તાજેતરમાં ગૉલ્ફ રમતી વખતે પગના નીચેના ભાગમાં જે ઈજા થઈ છે એ કેટલી ગંભીર છે અને તે આવતા કેટલા મહિના સુધી નહીં રમી શકે એ જાણવા આવતી કાલે સ્પેશ્યલિસ્ટને મળશે. તે સાઉથ આફ્રિકા સામેની ત્રીજી ટેસ્ટમાં અને ઑક્ટોબરમાં ઑસ્ટ્રેલિયામાં રમાનારા ટી૨૦ વર્લ્ડ કપમાં નથી રમવાનો. ઇંગ્લૅન્ડના સિલેક્ટરો અત્યારે બેરસ્ટૉનો અનુગામી નક્કી કરવાના મૂડમાં નથી.

ઉત્સાહી ઝિમ્બાબ્વેને મોટા દેશ સામે વધુ રમવું છે

તાજેતરમાં ભારત સામેના કમનસીબ વાઇટવૉશ બાદ શનિવારે ઑસ્ટ્રેલિયામાં પહેલી વાર ઑસ્ટ્રેલિયા સામે વન-ડે મૅચ જીતવા બદલ ઝિમ્બાબ્વેના ખેલાડીઓ ખૂબ ઉત્સાહી અને રોમાંચિત છે અને આ સિદ્ધિ પરથી હવે ઝિમ્બાબ્વેના હેડ-કોચ ડેવ હાઉટને કહ્યું છે કે તેમની ટીમે હવે વધુ ને વધુ મોટા દેશો સામે સિરીઝ રમવી જોઈએ. શનિવારની છેલ્લી વન-ડે પહેલાં ઑસ્ટ્રેલિયા સામે ઝિમ્બાબ્વે ૦-૨થી સિરીઝ હારી ચૂક્યું હતું, પરંતુ આખરી મૅચમાં સ્પિનર રાયન બર્લની પાંચ વિકેટે તરખાટ મચાવ્યો હતો અને ઍરોન ફિન્ચની ટીમે ડેવિડ વૉર્નરના ૯૪ રન છતાં પરાજય જોવો પડ્યો હતો.

sports news sports cricket news