19 July, 2025 01:58 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ન્યુ ઝીલૅન્ડની ટીમ
ઝિમ્બાબ્વેમાં આયોજિત T20 ત્રિકોણીય સિરીઝમાં ન્યુ ઝીલૅન્ડે પોતાની ફાઇનલિસ્ટ તરીકેની દાવેદારી મજબૂત કરી છે. ગઈ કાલે ઝિમ્બાબ્વે સામે સિરીઝની ત્રીજી મૅચમાં યજમાન ટીમે સાત વિકેટ ગુમાવી ૧૨૦ રન કર્યા હતા. કિવી ટીમે ઓપનર ડેવોન કૉન્વે (૫૯ રન અણનમ) અને ટૉપ ઑર્ડર બૅટર રચિન રવીન્દ્ર (૩૦ રન)ની ઇનિંગ્સના આધારે ૧૩.૫ ઓવરમાં ૧૨૨ રન કરીને સતત બીજી મૅચ જીતી હતી. એણે ૩૭ બૉલ પહેલાં ૮ વિકેટે જીત નોંધાવી ચાર પૉઇન્ટ મેળવી લીધા છે. મૅટ હેન્રી (૨૬ રનમાં ૩ વિકેટ) ૨૦૦ T20 વિકેટ પૂરી કરનાર દસમો કિવી બોલર બન્યો હતો.
કિવી ટીમ સિવાય સાઉથ આફ્રિકા (બે પૉઇન્ટ) અને ઝિમ્બાબ્વે (ઝીરો)ની આ સિરીઝમાં બે-બે મૅચ રમાવાની બાકી છે. એક દાયકા બાદ ઝિમ્બાબ્વે સામે T20 મૅચ રમ્યા બાદ કિવી ટીમે એક મોટો રેકૉર્ડ પણ પોતાને નામે કર્યો હતો. એ ઝિમ્બાબ્વે સામે એક પણ મૅચ હાર્યા વગર સૌથી વધુ સાત મૅચ જીતનાર પહેલી ટીમ બની હતી. સાઉથ આફ્રિકા આ યજમાન ટીમ સામે સાતમાંથી ૬ મૅચ જીત્યું છે પણ તેમની વર્ષ ૨૦૨૨ની મૅચ નો-રિઝલ્ટ હતી.