વિજય હઝારે ટ્રોફીમાં રવિવારે મુંબઈ-ઉત્તર પ્રદેશ વચ્ચે ફાઇનલ

12 March, 2021 10:56 AM IST  |  New Delhi

વિજય હઝારે ટ્રોફીમાં રવિવારે મુંબઈ-ઉત્તર પ્રદેશ વચ્ચે ફાઇનલ

પૃથ્વી શૉએ ૧૨૨ બૉલમાં ૧૭ ચોગ્ગા અને ૭ સિક્સરની મદદથી ૧૬૫ રન બનાવ્યા.

ગઈ કાલે વિજય હઝારે ટ્રોફીમાં સેમી ફાઇનલ મૅચો રમાઈ હતી જેમાં ગુજરાતને પાંચ વિકેટે હરાવીને ઉત્તર પ્રદેશે અને કર્ણાટકને ૭૨ રનથી હરાવીને મુંબઈએ ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. મુંબઈ અને ઉત્તર પ્રદેશ વચ્ચે ફાઇનલ મુકાબલો રવિવારે ૧૪ માર્ચે થશે.
ગુજરાતે ટૉસ જીતીને બૅટિંગ કરતાં ૪૮.૧ ઓવરમાં ૧૮૪ રન બનાવ્યા હતા. હેત પટેલે સૌથી વધારે ૬૦ રન બનાવ્યા હતા, જ્યારે તેમનો અન્ય કોઈ પ્લેયર ક્રીઝ પર લાંબો સમય ટકી શક્યો નહોતો. ઉત્તર પ્રદેશના યશ દયાલે સૌથી વધારે ત્રણ વિકેટ લીધી હતી. આકાશદીપ નાથની ૭૧ રનની ઇનિંગ્સને લીધે ઉત્તર પ્રદેશે ૪૨.૪ ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને ૧૮૫ રનનું લક્ષ્ય હાંસલ કરી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

બીજી સેમી ફાઇનલમાં મુંબઈ સામે ડિફેન્ડિંગ ચૅમ્પિયન કર્ણાટકે ૭૨ રનથી પરાજયનો સામનો કરવો પડ્યો હતો. ટૉસ જીતી કર્ણાટકે ફીલ્ડિંગનો નિર્ણય લીધો હતો અને મુંબઈના કૅપ્ટન પૃથ્વી શૉએ પોતાની આક્રમકતા બતાવતાં ૧૨૨ બૉલમાં ૧૭ ચોગ્ગા અને ૭ સિક્સરની મદદથી ૧૬૫ રનની ધુઆંધાર ઇનિંગ્સ રમ્યો હતો. શમ્સ મુલાની પાંચ રનથી પોતાની હાફ સેન્ચુરી ચૂકી ગયો હતો. ૪૯.૨ ઓવરમાં મુંબઈની ટીમ ૩૨૨ રને ઑલઆઉટ થઈ હતી ત્યાર બાદ તેમના બોલરોએ કર્ણાટકની ટીમને ૨૫૦ રનમાં જ પૅવિલિયનભેગી કરી દીધી હતી. દેવદત્ત પડિક્કલ સૌથી વધારે ૬૪ રનની અને સરથ બી. આર. ૬૧ રનની ઇનિંગ્સ રમ્યો હતો.

vijay hazare trophy cricket news sports news prithvi shaw