19 September, 2026 09:34 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈનો ભૂતપૂર્વ ક્લબ ક્રિકેટર વિનય ઐયર જપાનની મહિલા ક્રિકેટ ટીમનો હેડ કોચ છે
થાણેનો વતની અને મુંબઈ ક્રિકેટના અત્યંત સ્પર્ધાત્મક માહોલમાં ઊછરેલો ૪૧ વર્ષનો વિનય ઐયર જપાનની મહિલા ટીમનો હેડ કોચ છે. મુંબઈમાં ક્લબ ક્રિકેટ રમી ચૂકેલો વિનય ઐયર પારિવારિક સ્થિતિને કારણે ભારતીય ક્રિકેટમાં આગળ વધી શક્યો નહોતો.
એક ડાયમંડ ટ્રેડિગ કંપની રોઝી બ્લુએ વિનય ઐયરને સૌપ્રથમ ૨૦૦૯માં જપાન બોલાવ્યો હતો. ૨૦૧૧માં ટોક્યોમાં આવેલા ભૂકંપમાંથી સુરક્ષિત રીતે બચી ગયા પછી તેને ૨૦૧૩માં કાયમી નોકરીની ઑફર મળી. તે ત્યારથી આ કંપની સાથે કામ કરવાની સાથે ક્રિકેટમાં પણ યોગદાન આપી રહ્યો છે.
શરૂઆતમાં વિનય ઐયરે નૅશનલ મેન્સ ટીમમાં સ્થાન મેળવવાનો પ્રયાસ કર્યો હતો. ટોક્યો સ્થિત મૅક્સ ક્રિકેટ ક્લબ સાથે જોડાઈને ૨૦૧૫માં તેણે એક લીગમાં સૌથી વધુ રન ફટકારીને પ્લેયર ઑફ ધ યરનો અવૉર્ડ પણ જીત્યો હતો. જોકે જપાન ક્રિકેટ અસોસિએશને પછીથી નૅશનલ ટીમમાં વિદેશી નાગરિકોના રમવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો.
હાર માનવાને બદલે વિનય ઐયરે કાવાસાકી નાઇટ રાઇડર્સ ટીમની રચના કરી. સિનિયર ટીમ તૈયાર કરવા માટે તેણે પહેલા યુવા ટીમો વિકસાવવી પડી. અન્ડર-12, અન્ડર-15 અને અન્ડર-19 ખેલાડીઓને કોચિંગ આપવાથી તેમને તેમની કારકિર્દીની આગામી દિશા મળી.
કોરોના મહામારી પછી જપાને નૅશનલ ટીમમાં પાત્રતાના નિયમોમાં ફેરફાર કર્યો ત્યારે વિનયે ૨૦૨૧માં ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ડેબ્યુ કર્યું. જોકે ટૂંક સમયમાં જ ખભાની ઈજાને કારણે તેની રમવાની કારકિર્દીનો અંત આવ્યો અને તે ફરી કોચિંગ તરફ વળ્યો.