17 June, 2024 09:09 AM IST | Gwalior | Gujarati Mid-day Correspondent
ગ્વાલિયરમાં ઇન્ટરનૅશનલ સ્ટેડિયમનું ઉદ્ઘાટન
મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન મોહન યાદવે ગઈ કાલે ગ્વાલિયરમાં માધવરાવ સિંધિયા ઇન્ટરનૅશનલ ક્રિકેટ સ્ટેડિયમનું ઉદઘાટન કર્યું. આ પ્રસંગે તેમની સાથે ભૂતપૂર્વ કૉન્ગ્રેસ નેતા માધવરાવ સિંધિયાના પુત્ર અને કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા, ભારતીય ક્રિકેટ બોર્ડના સચિવ જય શાહ અને ભૂતપૂર્વ ક્રિકેટર કપિલ દેવ સહિતના દિગ્ગજ હાજર રહ્યા હતા. તેમણે અહીં મધ્ય પ્રદેશ ક્રિકેટ લીગની ઓપનિંગ મૅચ નિહાળી હતી.
ઇન્દોરના સ્ટેડિયમ પછી મધ્ય પ્રદેશમાં આ બીજું ઇન્ટરનૅશનલ ક્રિકેટ સ્ટેડિયમ છે. આ ૩૦,૦૦૦ દર્શકોની ક્ષમતાવાળું સ્ટેડિયમ દિવંગત માધવરાવ સિંધિયાના ક્રિકેટ પ્રત્યેના જુસ્સાને યાદ રાખવા માટે બનાવવામાં આવ્યું છે. ૧૯૪૫માં બૉમ્બે (હાલના મુંબઈ)માં જન્મેલા માધવરાવ સિંધિયા ગ્વાલિયરના છેલ્લા મહારાજા જિવાજીરાવ સિંધિયાના પુત્ર હતા. ૧૯૮૪થી સતત ત્રણ વખત સંસદસભ્ય રહેલા માધવરાવ સિંધિયા રાજીવ ગાંધી અને પી. વી. નરસિંહરાવની સરકારમાં પ્રધાન પણ બન્યા હતા. ૨૦૦૧માં પ્લેન ક્રેશમાં તેમનું અવસાન થયું હતું.