20 May, 2026 02:39 PM IST | Islamabad | Gujarati Mid-day Correspondent
પાકિસ્તાનના વિકેટકીપર-બૅટર મોહમ્મદ રિઝવાને ફિફટી ફટકાર્યા બાદ મેદાન પર અલ્લાહનો આભાર માન્યો હતો.
બંગલાદેશ અને પાકિસ્તાન વચ્ચે બે મૅચની ટેસ્ટ-સિરીઝની અંતિમ ટેસ્ટ-મૅચનો આજે રોમાંચક અંતિમ દિવસ છે. ૧-૦ની લીડ ધરાવનાર બંગલાદેશને બીજી ટેસ્ટ-મૅચ જીતવા માટે ત્રણ વિકેટની અને પાકિસ્તાનને ૧૨૧ રનની જરૂર છે. પહેલી ઇનિંગ્સમાં ૨૭૮ રન અને બીજી ઇનિંગ્સમાં ૩૯૦ રનનો સ્કોર કરીને બંગલાદેશે ૩૪૭ રનનો ટાર્ગેટ સેટ કર્યો હતો. પહેલી ઇનિંગ્સમાં ૨૩૨ રન કરનાર પાકિસ્તાને ચોથા દિવસના અંતે બીજી ઇનિંગ્સમાં ૮૬ ઓવરમાં ૭ વિકેટે ૩૧૬ રન કર્યા હતા. ચોથા દિવસે પાકિસ્તાને બે ઓવરમાં ઝીરો રનના સ્કોરથી બીજી ઇનિંગ્સની શરૂઆત કરી હતી. કૅપ્ટન શાન મસૂદે ત્રીજા ક્રમે રમીને ૧૧૬ બૉલમાં ૮ ફોરની મદદથી ૭૧ રન કર્યા હતા. ચોથા ક્રમે બૅટિંગ કરનાર બાબર આઝમે બાવન બૉલમાં ૪ ફોર અને એક સિક્સ ફટકારીને ૪૭ રનનું યોગદાન આપ્યું હતું. બન્ને વચ્ચે ત્રીજી વિકેટ માટે ૧૧૫ બૉલમાં ૯૨ રનની ભાગીદારી થઈ હતી. છઠ્ઠા ક્રમે રમનાર સલમાન અલી આગાએ ૧૦૨ બૉલમાં ૬ ફોરની મદદથી ૭૧ રન કર્યા હતા. મોહમ્મદ રિઝવાન ૧૩૪ બૉલમાં ૮ ફોરની મદદથી ૭૫ રન કરીને હજી પણ સાતમા ક્રમે બૅટિંગ કરી રહ્યો છે. છઠ્ઠી વિકેટ માટે આ બન્ને ખેલાડીઓ વચ્ચે ૨૨૪ બૉલમાં ૧૩૪ રનની પાર્ટનરશિપ થઈ હતી. બંગલાદેશના સ્પિનર તૈજુલ ઇસ્લામે ૩૧ ઓવરમાં ૧૧૩ રન આપીને ૪ વિકેટ લીધી હતી.