વૉર્નરને હીરો જેવી સૅન્ડ-ઑફ શું કામ આપો છો? : મિચલ જૉન્સન

04 December, 2023 01:15 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પાકિસ્તાન સામેની પ્રથમ ટેસ્ટ માટેની ટીમમાં સમાવાતાં વિવાદ : બૉલ સાથે ચેડાં કરવાના કાંડમાં હાથ હોવા છતાં વૉર્નરને કેમ પોતાની રીતે ફેરવેલ લેવા દો છો એવી ભૂતપૂર્વ સાથીની દલીલ

ડેવિડ વોર્નર , મિશેલ જોનસન

ઑસ્ટ્રેલિયાના લેજન્ડરી બૅટર્સમાં ગણાતો ૩૭ વર્ષનો ડેવિડ વૉર્નર પાકિસ્તાન સામેની આગામી ટેસ્ટ સિરીઝની પહેલી બે મૅચ બાદ ૩ જાન્યુઆરીથી હોમ ગ્રાઉન્ડ સિડનીમાં શરૂ થનારી સિરીઝની ત્રીજી અને છેલ્લી ટેસ્ટ રમીને ફેરવેલ લઈ શકે એ માટેનો જે તખ્તો ઑસ્ટ્રેલિયા ક્રિકેટમાં તૈયાર થઈ રહ્યો છે એ સામે વૉર્નરના ભૂતપૂર્વ સાથી-ખેલાડી અને ફાસ્ટ બોલર મિચલ જૉન્સને વિરોધ કર્યો છે. વાત એવી છે કે ચીફ સિલેક્ટર જ્યૉર્જ બેઇલી અને તેની કમિટીએ પાકિસ્તાન સામે પર્થમાં ૧૪ ડિસેમ્બરે શરૂ થનારી પ્રથમ ટેસ્ટ માટેની ૧૪ પ્લેયર્સની ટીમમાં વૉર્નરને સમાવ્યો છે. જો એમાં તેને રમવા મળશે અને સારું રમશે તેમ જ બૉક્સિંગ ડે (૨૬ ડિસેમ્બરથી)એ શરૂ થનારી મેલબર્નની બીજી ટેસ્ટમાં પણ મોકો મળતાં સારું પર્ફોર્મ કરશે તો તેને સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (એસસીજી)માં ત્રીજી ટેસ્ટમાં રમીને પોતાની રીતે ગ્રૅન્ડ ફેરવેલ લેવા મળશે.

વર્લ્ડ કપમાં બનાવ્યા ૫૩૫ રન
૧૦૯ ટેસ્ટનો અનુભવી વૉર્નર છેલ્લે ઇંગ્લૅન્ડ સામે ડ્રૉ ગયેલી ઍશિઝ સિરીઝની આખરી ટેસ્ટની ઇનિંગ્સમાં હાફ સેન્ચુરી ફટકારી હતી તેમ જ તાજેતરના વર્લ્ડ કપમાં ૫૩૫ રન બનાવ્યા હતા, જે ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયન ટીમના તમામ બૅટર્સમાં હાઇએસ્ટ હતા. જોકે એકંદરે છેલ્લી ૧૬ ટેસ્ટ-ઇનિંગ્સમાં તે સારું નથી રમ્યો. ડિસેમ્બર ૨૦૨૨માં સાઉથ આફ્રિકા સામે ડબલ સેન્ચુરી (૨૦૦ રન) ફટકાર્યા પછીની ૧૬ ઇનિંગ્સમાં તેની ફક્ત બે હાફ સેન્ચુરી છે. તે પાકિસ્તાન સામેની સિરીઝ માટેની ટેસ્ટ ટીમ માટે પ્રબળ દાવેદાર નહોતો, પરંતુ તેની ફેરવેલ સિરીઝને લક્ષમાં રાખીને તેને અત્યારથી ટીમમાં સમાવાયો છે.

વૉર્નરની ૨૦૧૮ના કાંડમાં ભૂમિકા
૨૦૧૮માં કેપ ટાઉનમાં સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટમાં ઑસ્ટ્રેલિયાનો ૩૨૨ રનથી નામોશીભર્યો પરાજય થયો એ પહેલાં અભૂતપૂર્વ બનાવ બન્યો હતો. ઓપનર કૅમેરન બૅન્ક્રૉ‍ફ્ટે સૅન્ડપેપર (કાચ કાગળ) વાપરીને બૉલ સાથે ચેડાં કર્યાં હતાં અને એમાં તેને કૅપ્ટન સ્ટીવ સ્મિથ તેમ જ વાઇસ કૅપ્ટન વૉર્નરનો સપોર્ટ મળ્યો હતો. તેમનો કાંડ બહાર આવ્યો હતો અને ટીમમાંથી તેમની હકાલપટ્ટી થઈ હતી. સ્મિથ પાસેથી કૅપ્ટન્સી અને વૉર્નર પાસેથી વાઇસ કૅપ્ટન્સી પાછી ખેંચી લેવાઈ હતી અને ત્રણેય જણને સ્વદેશ પાછા બોલાવી લેવાયા હતા. સ્મિથ અને બૅન્ક્રૉફ્ટના રમવા પર અનુક્રમે ૧૨ મહિના અને ૯ મહિનાનો પ્રતિબંધ મુકાયા હતો, વૉર્નરને પણ ૧૨ મહિના સુધી રમવાની મનાઈ હતી. વૉર્નર અને સ્મિથ પોતાનાં કરતૂત 
બદલ જાહેરમાં ‍રડ્યા હતા.

મિચલ જૉન્સને શું વાંધો ઉઠાવ્યો?
મિચલ જૉન્સન ૪૨ વર્ષનો છે. તે ૨૦૧૫માં ઑસ્ટ્રેલિયા વતી છેલ્લી મૅચ રમ્યો હતો. તેણે ગઈ કાલે ‘ધ વેસ્ટ ઑસ્ટ્રેલિયન’ની સન્ડે કૉલમમાં વૉર્નર પર શાબ્દિક પ્રહાર કર્યા હતા. તેણે લખ્યું છે કે ‘વૉર્નરને શા માટે હીરો જેવી સૅન્ડ-ઑફ આપી રહ્યા છો? બૉલ પર કાચકાગળ લગાવવાના કાંડમાં તેની મોટી ભૂમિકા હતી અને એ રીતે તેણે ક્રિકેટમાં દેશને કલંકિત કર્યો હતો. ટેસ્ટમાં ત્રણ વર્ષથી એકંદરે કંગાળ (બૅટિંગ ઍવરેજ ‍ફક્ત ૨૬.૭૪) રમતા આ ઓપનરને કેમ તેની શરતે ફેરવેલ લેવાની તક આપી રહ્યા છો? વૉર્નર કંઈ કૅપ્ટન તો છે નહીં. તે સુકાની બનવાને લાયક પણ નહોતો. તેણે એક વર્ષ પહેલાં જાહેર કરી દીધું હતું કે પાકિસ્તાન સામેની સિરીઝ તેની અંતિમ મૅચ હશે. શું વૉર્નર ઑસ્ટ્રેલિયન ટીમથી પર છે કે તેની આવી ઇચ્છા પૂરી થવા દો છો?’

ઑસ્ટ્રેલિયાની પ્રથમ ટેસ્ટ માટેની ટીમ 

પૅટ કમિન્સ (કૅપ્ટન), ઍલેક્સ કૅરી (વિકેટકીપર), સ્કૉટ બૉલેન્ડ, કૅમેરન ગ્રીન, જૉશ હૅઝલવુડ, ટ્રેવિસ હેડ, ઉસમાન ખ્વાજા, માર્નસ લબુશેન, નૅથન લાયન, મિચલ માર્શ, લાન્સ મૉરિસ, સ્ટીવ સ્મિથ, મિચલ સ્ટાર્ક અને ડેવિડ વૉર્નર.

david warner cricket news sports news mitchell johnson australia test cricket